માતા-પિતાની વાત માનવી એ જ સાચી રક્ષા છે,જે વડીલોની વાત અવગણે તે ભટકી પડે*

0
6

ઘંટડી વાગે છે,પણ આપણે સાંભળતા નથી,આજે કારતક સુદ સાતમ છે.પૂ. જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ છે.જલારામ બાપાએ આખી જિંદગી એક જ વાત શીખવી – “માનવસેવા એ જ પ્રભુસેવા.”પણ સેવા કરતા પહેલા એક બીજી વાત શીખવી પડે છે, માનવું.
આપણે આપણા પોતાના ભલા માટે, આપણા માતા-પિતા અને વડીલોની વાત માનવી જોઈએ. આ વાત સાંભળવામાં જૂની લાગે છે, પણ આજના સમયમાં તે સૌથી વધુ જરૂરી છે.
આ વાત સમજવા માટે એક નાના ઊંટની કથા સાંભળો. આ કથા ઊંટની નથી, આપણી છે. આ કથાનો નાનો ઊંટ એ આજનો યુવાન છે, વૃદ્ધ ઊંટ એ આપણા માતા-પિતા છે, અને જંગલમાં છુપાયેલો સિંહ એ આ દુનિયાના જોખમો છે.એક સમયે, રણની કિનારે આવેલા એક ગામમાં ઊંટનો વેપાર કરતો એક વેપારી રહેતો હતો. તે નાના ઊંટો ખરીદતો, તેમને મોટા અને મજબૂત થાય ત્યાં સુધી ઉછેરતો અને પછી તેમને વેચીને સારો નફો કમાતો હતો.
વેપારી ઊંટોને ચરવા માટે નજીકના જંગલમાં મોકલી દેતો, જેનાથી તેને ઊંટોના ઘાસચારાનો ખર્ચ બચી જતો.
આ ઊંટોના ટોળામાં એક નાનું ઊંટ હતું જે ખૂબ જ તોફાની હતું; તેના વર્તનને કારણે આખું ટોળું હંમેશા ચિંતામાં રહેતું. તે ઘણીવાર ટોળાથી દૂર નીકળી જતું અને પરિણામે પાછળ રહી જતું.
ટોળાના વૃદ્ધ ઊંટો તેને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરતા, પરંતુ તે કોઈનું માનતું નહીં, તેથી છેવટે તેમણે તેને સમજાવવાનું છોડી દીધું.
વિચાર કરો, આ નાનું ઊંટ કોણ છે? આ આજનો દીકરો છે, આજની દીકરી છે, જે કહે છે – “તમને શું ખબર પડે? તમે જૂના જમાનાના છો.”
વડીલો સમજાવી સમજાવીને થાકી જાય છે, પછી છેવટે ચૂપ થઈ જાય છે. અને જ્યારે વડીલો ચૂપ થઈ જાય છે, ત્યારે સમજવું કે હવે જોખમ નજીક છે.
વેપારીને આ નાનું ઊંટ ખૂબ વહાલું હતું, તેથી તેણે તેના ગળામાં એક ઘંટડી બાંધી દીધી હતી. જ્યારે પણ તે ઊંટ પોતાનું માથું હલાવતું, ત્યારે ઘંટડી વાગતી, જેનાથી તેનું સ્થાન અને હિલચાલ જાણી શકાતી.
વેપારીએ પ્રેમથી ઘંટડી બાંધી હતી, જેથી નાનું ઊંટ ખોવાઈ ન જાય. પણ એ જ ઘંટડી તેના માટે મોતનું કારણ બની.
આ જ વાત આપણા જીવનમાં પણ લાગુ પડે છે.માતા-પિતા પ્રેમથી દીકરાને મોબાઇલ આપે છે, જેથી તેનો સંપર્ક રહે.પણ એજ મોબાઇલ તેને ખોટા રસ્તે લઈ જાય છે. પ્રેમથી બાઈક આપે છે, પણ એ જ બાઈક અકસ્માતનું કારણ બને છે. પ્રેમથી પૈસા આપે છે, પણ એ જ પૈસા વ્યસનનું કારણ બને છે.
ઘંટડી ખરાબ નથી,ઘંટડીનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવું જરૂરી છે. પ્રેમ આપવો એ માતા-પિતાની ફરજ છે, પણ પ્રેમનો દુરુપયોગ ન કરવો એ બાળકની ફરજ છે.
નાનું ઊંટ માથું હલાવતું રહ્યું, ઘંટડી વાગતી રહી. તેને મજા આવતી હતી કે બધા મને જુએ છે, બધા મને સાંભળે છે. તેને ખબર નહોતી કે આ અવાજ સિંહ પણ સાંભળી રહ્યો છે.
આજનો યુવાન પણ સોશિયલ મીડિયા પર માથું હલાવે છે – રીલ બનાવે છે, સ્ટેટસ મૂકે છે, પોતાનું લોકેશન બતાવે છે. તેને લાગે છે કે દુનિયા મને જુએ છે. પણ તે ભૂલી જાય છે કે દુનિયામાં સિંહ પણ છે, જે આ અવાજ સાંભળીને તકની રાહ જોઈ રહ્યો છે.
એક દિવસ,એક સિંહ તે વિસ્તાર માંથી પસાર થયો જ્યાં ઊંટો ચરી રહ્યા હતા. ઘંટડીનો અવાજ સાંભળીને તેને ખ્યાલ આવ્યો કે ઊંટો નજીકમાં જ છે. ઝાડીઓમાંથી ડોકિયું કરીને તેણે ઊંટોનું મોટું ટોળું જોયું; જોકે, તે તેમના પર હુમલો કરી શક્યો નહીં, કારણ કે ટોળામાં રહેલા ઊંટો તેના કરતાં વધુ શક્તિશાળી હતા. યોગ્ય તકની રાહ જોવાનું નક્કી કરીને, તે છુપાઈ રહ્યો અને ધ્યાનથી તેમનું અવલોકન કરવા લાગ્યો.
આ જીવનનું સૌથી મોટું સત્ય છે – સિંહ ક્યારેય ટોળા પર હુમલો કરતો નથી, તે એકલા પર હુમલો કરે છે.વ્યસન, ખરાબ મિત્રો, ઓનલાઇન છેતરપિંડી, ખોટી સંગત – આ બધા સિંહ છે. તેઓ પરિવાર પર હુમલો કરી શકતા નથી, કારણ કે પરિવાર એક ટોળું છે, એક શક્તિ છે. તેઓ રાહ જુએ છે કે ક્યારે આ છોકરો પરિવારથી અલગ પડે, ક્યારે આ છોકરી માતા-પિતાથી દૂર જાય, ત્યારે તેને પકડી લેવો.
ટોળામાં રહેવું એ જ સલામતી છે. પરિવારમાં રહેવું એ જ રક્ષણ છે.
ટોળાના એક વૃદ્ધ ઊંટને ભયનો અહેસાસ થયો. તેણે બાકીના ઊંટોને ચેતવણી આપી કે તેઓ પાછા ગામ તરફ વળી જાય અને એકબીજાની નજીક રહે. ઊંટો એકબીજાની નજીક રહીને ટોળું બનાવી જંગલમાંથી બહાર નીકળવા લાગ્યા, જ્યારે સિંહ તેમની પાછળ પાછળ ચાલ્યો અને હુમલો કરવાની તકની રાહ જોવા લાગ્યો.
વડીલ ઊંટે નાના ઊંટને ખાસ ચેતવણી આપી હતી કે તે કોઈ મુશ્કેલી ઊભી ન કરે. પરંતુ, નાના ઊંટે તે વાત પર ધ્યાન ન આપ્યું અને બેદરકારીથી આગળ વધતો રહ્યો.
વૃદ્ધ ઊંટને કેવી રીતે ખબર પડી કે સિંહ છે? કારણ કે તેણે જીવન જોયું છે. તેણે પહેલા પણ સિંહ જોયો છે, તેણે પહેલા પણ જોખમ જોયું છે.
માતા-પિતાને કેવી રીતે ખબર પડે છે કે આ મિત્ર ખરાબ છે? કારણ કે તેમણે દુનિયા જોઈ છે. તેમને માણસ પારખતા આવડે છે. આપણને લાગે છે કે તેઓ અમને રોકે છે, પણ હકીકતમાં તેઓ અમને બચાવે છે.
વડીલોની વાત કડવી લાગે છે, પણ તે દવા જેવી છે.દવા કડવી હોય છે, પણ તે જ રોગ મટાડે છે.પોતાની જ દુનિયામાં મશગૂલ હોવાને કારણે, નાનું ઊંટ બાકીના સમૂહથી પાછળ રહી ગયું.જ્યારે એક સિંહે તેનેજોયું ત્યારે તે તેના પર તૂટી પડ્યો. નાના ઊંટે પોતાનો જીવ બચાવવા માટે ખૂબ ધમપછાડા કર્યા, પરંતુ તે સિંહના પંજામાંથી બચી શક્યો નહીં. વડીલોની સલાહ ન માનવાને કારણે તેનો કરુણ અંત આવ્યો.
આ કથાનો અંત કરુણ છે, પણ આપણું જીવન હજુ બાકી છે. આપણે હજુ પણ ટોળામાં પાછા ફરી શકીએ છીએ.
આજે કેટલાય યુવાનો એકલા પડી ગયા છે. તેઓ માતા-પિતાથી દૂર, પરિવારથી દૂર, સમાજથી દૂર પોતાની જ દુનિયામાં મશગૂલ છે. તેમને લાગે છે કે તેઓ આઝાદ છે, પણ હકીકતમાં તેઓ સિંહના નિશાના પર છે.એકલતા એ જ સૌથી મોટો સિંહ છે.
જલારામ બાપાએ ક્યારેય માતા- પિતાનો અનાદર કર્યો નહીં. માતા રાજબાઈના સંસ્કારોથી જ તેઓ જલારામ બન્યા.ગુરુ ભોજલરામની આજ્ઞા માનીને જ તેઓ સંત બન્યા. વીરબાઈમાનો સાથ માનીને જ તેઓ સેવા કરી શક્યા.જે માણસ વડીલોને માને છે, તે જ ભગવાનને માની શકે છે.જે માણસ માતા-પિતા ની સેવા નથી કરતો,તે મંદિરમાં જઈને ભગવાનની સેવા કેવી રીતે કરશે?જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિએ આપણે આ સંકલ્પ લઈએ માતા-પિતાની વાતને બોજ ન સમજીએ, આશીર્વાદ સમજીએ.
-વડીલો ટોકે ત્યારે ગુસ્સો ન કરીએ, તેમનો અનુભવ સમજીએ.
-ટોળાથી, એટલે કે પરિવારથી દૂર ન જઈએ. પરિવાર જ આપણી સૌથી મોટી સુરક્ષા છે.
-ઘંટડી એટલે કે મોબાઇલ, પૈસા, પ્રસિદ્ધિનો ઉપયોગ સમજદારીથી કરીએ, બતાવવા માટે નહીં.
પાછા ફરવાનો હજુ સમય છે.નાના ઊંટ પાસે પાછા ફરવાનો સમય હતો,પણ તેણે તે ગુમાવ્યો.આપણી પાસે હજુ સમય છે.આજે જ ઘરે જઈને માતા-પિતાને કહો – “તમારી વાત સાચી હતી.”વડીલોને પગે લાગો.તેમના આશીર્વાદ લો.કારણ કે જ્યાં સુધી માતા-પિતાના હાથ માથા પર છે, ત્યાં સુધી કોઈ સિંહ આપણને અડી શકતો નથી.અને જ્યાં વડીલોનો આદર છે,ત્યાં જ જલારામ બાપાનો આશીર્વાદ છે.જય જલારામ બાપા માતા- પિતાની સેવા એ જ સાચી પ્રભુસેવા.

*યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ થરા તા ઓગડ જિ બનાસકાંઠા 9428678699*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY