હમણાં જ લાભ પાંચમ ગઈ, અને જેના નામમાં જ લાભની વાત સમાયેલી છે! પરંતુ એ જ ખોટું છે! ઈશ્વર પાસે પણ જ્યારે માંગીએ ત્યારે આપણા લાભથી કોઈનું નુકશાન ન થાય એવી પ્રગતિ કરાવજે એમ કહેવું યોગ્ય છે! પણ કાળક્રમે માનવીય માનસિકતાના મૂલ્યો બદલાઈ ગયાં છે! અને જેમાં સર્વત્ર લાભની લાલચ સમાયેલી દેખાય છે. ખેર, લાભ પાંચમ જતાં ફરી બજાર ધમધમાટ શરૂ થયો, અને વેપારીઓને નફો થશે એવી આશા બંધાણી! પણ માત્ર લાભની નિતી થી જ ધંધો થાય તો, કદાચ નફો થાય તોય કુદરત મોટું વળતર લઈ લે છે, અને કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો! માટે નિતીથી જીવવા વાળા લોકો હજી પણ આપણા સમાજમાં છે અને એ પણ ઓછી આવક હોય એની નિતી વધારે સારી હોય એવું પણ જોવા મળે છે. તો આજે આવો જ એક કિસ્સો.
નીતા અને અનીતા બંને જોડિયા બહેનો હતી અને, સાતમાં ધોરણમાં ભણતી હતી. માતા પિતા મધ્યમ વર્ગના હતાં, છતાં મોંઘી સ્કૂલમાં અભ્યાસ માટે દાખલ કરી હતી, કે આગળ જતાં એમનું ભવિષ્ય સદ્ધર બને, અને બંને હતી પણ હોશિયાર અને એકદમ ચપળ! ઈશ્વરે દેખાવે પણ સુંદર બનાવી હતી. મોંઘી સ્કૂલને કારણે બંને નું મિત્ર વર્તુળ પૈસાદારનું હતું અને એમની માટે જે ખર્ચ સહજ હતો એ ખર્ચ નીતા અને અનીતા માટે સ્વપ્ન હતું! છતાં માતા પિતા એમનાં શોખ અને જરુરીયાત પૂરી કરવા તનતોડ મહેનત કરતા હતા! પરંતુ ઉંમરની નાદાનિયત ને કારણે એમને એ વાત સમજાતી નહોતી.
દિવાળીનાં તહેવાર માટે એમની સહેલીઓ એ ખૂબ બધી ખરીદી કરી, જ્યારે નીતા અને અનીતા માટે એક એક જોડ કપડાં અને એ પણ સામાન્ય કિંમતના લીધાં! અને એટલે બંને બહેનો દુઃખી હતી કે કાશ આપણે પણ….
દિવાળી વેકેશન પૂરું થવાનું હતું અને આજે લાભ પાંચમ હતી, એમની એક સહેલી ઋજુતા એ બધાં ભેગાં એન્જોય કરી શકે એટલે સ્નેહ મિલન જેવું ગેટ ટુ ગેધર રાખ્યું અને નીતા અને અનીતા ને પણ ઇન્વાઇટ કરી. નીતા અને અનીતા પાર્ટીમાં નવા વર્ષના લીધેલા કપડાં પહેરીને જતાં શરમ આવતી હતી! પણ ઋજુતા એ બહુ આગ્રહ કર્યો હતો એટલે ગયા વગર છૂટકો નહોતો! બંને દેખાવે સુંદર હતી એટલે એમને એ કપડાં પણ સારા જ લાગતાં હતાં, અને પાર્ટીમાં બધાએ એમનાં વખાણ પણ કર્યા.
મમ્મી ની સૂચના હતી કે પાર્ટી ગમે તેટલી લાંબી ચાલે આઠ સુધી જ રહેવાનું છે, એટલે રાતનાં આઠ વાગ્યે બંને બહેનો પોતાના ઘરે પાછા ફરતી હતી અને ત્યાં નીતા ની નજર એક પોર્ટફોલિયા પર પડી એણે એ લઈ લીધો! એ ખૂબ વજનદાર હતો! અનીતા એ કહ્યું કે ક્યાંક બોમ્બ સેટ કર્યો હશે, તો આપણે વગર વાંકે માર્યા જશું! તું મુકી દે! પણ નીતા એ કહ્યું કે ના આજે લાભ પાંચમ છે, અને મને સવારથી એવું થતું હતું કે મને આજે બહુ મોટો લાભ થશે! એટલે એકવાર આપણે ઘરે લઈ જઈશું પછી જોઈએ શું કરવું એ!
પોર્ટફોલિયો લઈ બંને ઘરે આવ્યાં અને એમનું દિલ ધકધક થતું હતું કે શું હશે! નીતાની વાત સાચી પડી, એમાં ખૂબ રુપિયા હતાં! લાભ પાંચમને દિવસે દિવસે લક્ષ્મી માતા એ એની પર કૃપા કરી અને એને આટલા રુપિયા એને મળ્યા છે, અને એ પણ હવે પોતાની અન્ય સહેલીઓ જેમ મોજ મજા કરી શકશે ! જુદા જુદા કપડાં કે પછી ઘરેણાં પહેરીને પોતાનો વટ ઉભો કરશે! આમ તો અનીતા ના પાડતી હતી! છતાં બહેન હતી એટલે અનીતા ને પણ થોડા રુપિયા આપશે એમ વિચારતી હતી, અને પિતા આવે એટલે એને આ ખુશ ખબર આપવા એ એકદમ તલપાપડ હતી.
લગભગ એક કલાક પછી નીતાનાં પિતા નરેશભાઈ આવ્યાં! એ એકદમ ચિંતા ગ્રસ્ત હતાં! અને કોઈ પણને કંઈ પણ કહ્યાં વગર પોતાનાં રુમમાં જતાં રહ્યાં અને બારણું અંદરથી બંધ કરી દીધું. નીતા અનીતા ની મમ્મી નમ્રતા એ ઘણું કહ્યું, બંને દિકરીઓના સમ આપ્યા ત્યારે બારણું ખોલ્યું અને કહ્યું કે આજે એમનાથી કંપનીના 25000 રુપિયા ખોવાઈ ગયાં, અને એટલે એમને ચોર કહી નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા! નીતા એ ભોળા ભાવે પોતાનાં પિતાને કહ્યું કે પિતાજી આજે મને બહુ મોટો ધન લાભ થયો છે, આપને હવે એવી નોકરી કરવાની જરૂર જ નથી, એમ કહીને પેલો પોર્ટફોલિયો બતાવ્યો જેમાં આશરે દસ લાખ રુપિયા, ઘરેણાં પણ હતાં, અને અન્ય ડોક્યુમેન્ટ હતાં. નરેશભાઈ તો આટલાં રુપિયા જોઈને સ્તબ્ધ થઈ ગયા! પણ તરત જ એમણે કહ્યું કે બેટા આ રુપિયા આપણા નથી! શક્ય છે, કે કોઈ ઈમરજન્સી માટે પોતાની જીવનભરની કમાણી એક્ઠી કરી લઈને જતાં હોય, અને આ પોર્ટફોલિયો પડી ગયો હોય! આપણાથી એમ કોઈનું કંઈ લેવાય નહીં! માત્ર 25000 જેવી રકમ મારાથી ખોવાઈ ગઈ તોય હું અત્યારે કાઢી શકું એમ નથી! વિચાર કરો જેનાં ખોવાઈ ગયાં હશે, એની કેવી હાલત હશે! આ વાત નીતા ને સમજાઈ ગઈ, અને એ જેનું હોય એને આપી દેવા સંમત થઈ ગઈ. પોર્ટફોલિયા માંથી ડોક્યુમેન્ટ કાઢ્યાં અને નામ સરનામું મેળવી લીધું.
સરનામાં ના આધારે ત્યા પહોંચ્યા તો એક અત્યંત ધનવાનનો બંગલો હતો, પણ ધંધામાં ખોટ ગઈ હતી એટલે બધું જ ભેગું કરીને ચૂકવણી કરવી એમ વિચારીને નીકળ્યા અને પોર્ટફોલિયો પડી ગયો! જે તે વ્યક્તિનો પોર્ટફોલિયો હતો એમણે બહુ અહોભાવ વ્યક્ત કર્યો, અને કહ્યું કે આમાંથી તમારે જેટલા લેવા હોય એટલાં લઈ લ્યો, પણ નીતા અનીતા ના પપ્પા એ ઘસીને ના પાડી દીધી! અંતે એમણે કહ્યું કે મારે એક ઈમાનદાર વ્યક્તિની જરૂર છે, અને તમે મારે ત્યાં કામ કરો! શક્ય છે તમારી દિકરીનાં નસીબે ફરી મારો ધંધો સારો ચાલવા લાગે! અને આજે ફરી લાભ પાંચમ એ ફરી યાદ આવ્યું કે એક ઈમાનદારી નાં ગુણને કારણે નીતા અનીતા નાં પપ્પા આજે એ કંપનીમાં મેનેજર બની ગયાં અને એમનું જીવન સુધરી ગયું. રુપિયા ગમે તેટલા હોય એ ક્યારેક કે ક્યારેક પૂરા થઈ જાય, શક્ય છે, ખોવાઈ જાય કે ચોરાઇ પણ જાય પરંતુ કરેલું કર્મ કોઈનું ક્યાંય જતું નથી! અને આ પ્રકારનું ધન જ જન્મોજન્મ સાથે આવે છે, અને જીવન સંવારે છે! અને એ ધન પણ લાભ નહીં શુભ નાં વિચાર પ્રેરક હોય લોક કલ્યાણના કાર્ય કરાવે છે. બસ જીવનમાં આવી નિતી પાયામાં રાખી જીવીએ તો રામરાજ્ય હાથવેંતમાં છે.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"

