ઘરની શોભા ફર્નિચર કે ઈન્ટીરીયરથી નથી, ઘરની શોભા નારી થકી છે: પદ્મદર્શનસૂરિજી મહારાજ

0
19

શ્રી ગોકુળનગર નજરાણા જૈન સંઘ ભીવંડીના જૈન ભવનમાં પ્રવચનપ્રભાવક જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજે ધર્મસભા સમક્ષ જણાવ્યું હતું કે, આર્યદેશની નારી એ તો ઝવેરાતોનું પણ ઝવેરાત છે. નારી એ ઘરની રાણી છે. *ઘરની શોભા ફર્નિચર કે ઈન્ટીરીયરથી નથી, ઘરની શોભા નારી થકી છે.* નારીનાં મુખ્ય ત્રણ કાર્યો છે. પતિની સેવા, સંતાનોનું સંસ્કરણ અને ઘરની સંભાળ. કુંતીના પાંચેય પાંડવો મહાન પાક્યા અને ગાંધારીના સો પુત્રો દુષ્ટ પાક્યા એના મૂળમાં છે વાત્સલ્યનો સદ્ભાવ અને વાત્સલ્યનો અભાવ. *માતા અને બાળકો વચ્ચે ‘આઈ કોન્ટેક્ટ’ વધુ હોય છે માટે રડતું બાળક માને જોતાં જ શાંત થઈ જાય છે.* હમણાં ‘આઈ કોન્ટેક્ટ’ને બદલે ‘આયા કોન્ટેક્ટ’ વધતો જાય છે માટે સંસ્કારોનું દેવાળું નીકળી રહ્યું છે. માના આંખમાંથી વાત્સલ્યનું ઝરણું સતત વહેતું હોય છે. *જેને માનું વાત્સલ્ય મળતું નથી તે સંતાનો દુષ્ટ પાકે છે.* ગાંધારીએ આંખે પાટો બાંધ્યો હતો માટે કૌરવો દુષ્ટ પાક્યા.

*આજે તો સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં અને રાષ્ટ્રમાં આંખે પાટા વિનાની કેટલીય ગાંધારીઓનો રાફડો ફાટ્યો છે.* જે માતા સંતાનોને વાત્સલ્યનું દાન કરતી નથી તે કલિયુગની ગાંધારી કહેવાય. અનાદિકાળના કુસંસ્કારોના ખડ અને ઘાસ તો જીવનરૂપી ખેતરમાં આપમેળે ઊગી નીકળે છે, એ માટે હળ અને ખેતીની કોઈ જરૂર નથી. જે બાળકોના જીવનરૂપી ખેતરમાં મા-બાપો દ્વારા સુસંસ્કારોનું પ્રયત્નપૂર્વક વાવેતર થાય નહિ ત્યાં સુધી ખાલી પડેલા જીવનરૂપી ખેતરમાં કુસંસ્કારો તો સ્વયં ઊગી જાય. દુર્યોધન કરતાં વધારે પડતા ધિક્કારને પાત્ર ધૃતરાષ્ટ્ર છે. *જે પિતાઓ માત્ર પોતાના સંતાનોને માંગે તે બધું જ આપી દે છે અથવા અપાવી દે છે અને સંસ્કારોનું સિંચન કરતા નથી તે પિતાઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે.* આજે ઘર-ઘરમાં આવા ધૃતરાષ્ટ્રો અને ગાંધારીઓ જોવા મળે છે.

નારીના હાથમાં ઘર છે. તે બધાનો રસોડા દ્વારા પ્રેમ સંપાદન કરી શકે છે. સમગ્ર કુટુંબની ‘માસ્ટરકી’ એટલે નારી છે. અત્યારે ‘મેક ડોનાલ્ડ’ અને ‘ઝોમેટો’ની એન્ટ્રીએ ઘરનાં રસોડા બંધ થવાની તૈયારીમાં છે. *જો રસોડું બંધ થશે તો ભારતીય સંસ્કૃતિનો ખાત્મો બોલાશે.* નારી આજે નોકરી કરી રહી છે. સંતાનો ઘોડિયાઘરનાં હવાલે છે. ઘોડિયાઘરનાં કારણે ઘરડાઘરોનું નિર્માણ થયું છે. જે મા-બાપો સંતાનોની સંભાળ લેતા નથી કે કાળજી કરતા નથી તેમણે મોડા વહેલા ઘરડાઘરોના શરણે જવું જ પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY