નેચરોપથી ડે : કુદરતી ઉપચારથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ

0
11

દર વર્ષે 18 નવેમ્બરના રોજ ભારતમાં નેચરોપથી ડે (પ્રાકૃતિક ચિકિત્સા દિવસ)ની ઉજવણી કરવામાં આવે છે. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનું મહત્ત્વ સમજાવવા, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને કુદરત સાથે જોડાયેલી જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાના હેતુથી આ દિવસ ઉજવાય છે. આધુનિક જીવનશૈલી, અનિયમિત આહાર, બેઠાડુ જીવન અને માનસિક તણાવ વચ્ચે પ્રાકૃતિક ચિકિત્સાનું મહત્ત્વ વધી રહ્યું છે.

નેચરોપથીમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પ્રકૃતિનાં પાંચ તત્ત્વોને મહત્ત્વ આપવામાં આવે છે. માટી ચિકિત્સા, જળ ચિકિત્સા, સૂર્યસ્નાન, હવાસ્નાન, મસાજ, ઉપવાસ અને યોગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ તાજાં ફળો, લીલાં શાકભાજી, પૌષ્ટિક આહાર, પૂરતું પાણી, નિયમિત કસરત, પ્રાણાયામ અને પૂરતી ઊંઘ દ્વારા સ્વસ્થ જીવનશૈલી જાળવવા પર ભાર મૂકવામાં આવે છે.

ભારતમાં નેચરોપથીના પ્રચાર અને પ્રસાર સાથે મહાત્મા ગાંધીજીનું નામ વિશેષ રીતે જોડાયેલું છે. ગાંધીજી પ્રાકૃતિક ચિકિત્સા, સાદગીપૂર્ણ જીવન, સ્વચ્છતા અને સાત્ત્વિક આહારના હિમાયતી હતા. 18 નવેમ્બર, 1945ના રોજ તેઓ ઓલ ઇન્ડિયા નેચર ક્યોર ફાઉન્ડેશન ટ્રસ્ટના આજીવન અધ્યક્ષ બન્યા હતા અને ટ્રસ્ટના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં આયુષ મંત્રાલય દ્વારા વર્ષ 2018થી દર વર્ષે 18 નવેમ્બરને નેચરોપથી ડે તરીકે ઉજવવામાં આવે છે.

હાલ વર્ષ 2026માં નવમા રાષ્ટ્રીય નેચરોપથી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ ‘પ્રાકૃતિક ચિકિત્સા, સ્વસ્થ ભારત’ રાખવામાં આવી છે. કર્ણાટકના નાગમંગલામાં આવેલા સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા એન્ડ નેચરોપથી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાવાનો છે. દેશભરમાં આરોગ્ય શિબિરો, યોગ કાર્યક્રમો અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવશે. કુદરત સાથે જોડાણ, સંતુલિત આહાર અને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવવાનો સંદેશ જ આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.

✍ કેતન મહેતા, ભરૂચ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY