ગામના તલાટીનો સંપર્ક કરી લાભ લેવાનો રહેશે
આહવા, તા.૨૧
રાજ્યના મુખ્ય સચિવશ્રી ર્ડા.જે.એન.સિંહ ના અધ્યક્ષ સ્થાને તા.૨૦-૦૨-૧૯ ના સાંજે ૪-૦૦ કલાકે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં તમામ જિલ્લા કલેકટરો સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાઓમાં થઇ રહેલી કામગીરીની એ સમીક્ષા કરી હતી. શ્રેષ્ઠ કામગીરી કરતા જિલ્લાઓ પૈકી માન.સચિવશ્રી એ ટીમડાંગને પણ અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વધુમાં જિલ્લામાં વધુને વધુ ખેડૂતો ને લાભ મળી રહે તે માટે જિલ્લા કલેકટરોને સૂચન કર્યુ હતું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના બે હેકટર થી અોછી જમીન ધરાવતા તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને ઓનલાઈન એન્ટ્રી બે દિવસમાં પૂર્ણ કરવા માટે ગામના તલાટીશ્રીઓનો ઝડપથી સંપર્ક કરવા જિલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોરે અનુરોધ કર્યો હતો.
વધુમાં શ્રી ડામોરે જિલ્લા ખેતીવાડી અધિકારી, બાગાયત અધિકારી,જિલ્લા રજીસ્ટ્રાર સહિત સબંધિત અધિકારીઅોને તાકીદ કરી હતી કે નાનામાં નાના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહે તેવા પ્રયાસો કરવા અને છેવાડાનો કોઈપણ લાભાર્થી સરકારશ્રીની આ યોજનાથી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોરે વિગતો આપતા જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં કુલ ૨૫૦૨૩ ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવાને પાત્ર થાય છે જે પૈકી ૨૦૨૧૧ ખેડૂતોની ડેટા એન્ટ્રી પૂર્ણ થઇ ગઇ છે. અને કિસાન પોર્ટલ ઉપર માહિતી અપલોડ કરી દેવામાં આવી છે. બાકી રહેતા ખેડૂતો એ જે તે ગામમાં તલાટીઅોને મળી બેન્ક એકાઉન્ટ તેમજ આધારકાર્ડ જેવા પુરાવાઓ લઇ ગ્રામ પંચાયતમાં ચાલતા વીસીએ સેન્ટર પર જઇ ડેટા એન્ટ્રી કરાવી લેવી.આ કામગીરી માટે સબંધિત અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. એફ.આર.સી. હેઠળ મળેલ ૨ હેકટરથી ઓછી જમીન વાળા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઇ શકશે. આહવા તાલુકામાં ૩૪,વઘઈ-૨૯ અને સુબીર -૨૨ સ્થળોએ ડેટા એન્ટ્રી ઓપરેટરો ઓનલાઈન એન્ટ્રીની કામગીરી કરી રહયા છે. જે લોકો સ્થળાંતર કરી બહાર ગયેલ હોય તેવા લોકોને પણ સરકારશ્રીની યોજનાનો લાભ સત્વરે મળી રહે તેવા સુચારૂ પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે.
આજરોજ યોજાયેલ વિડિયો કોન્ફરન્સ બાદ મળેલી બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી એસ.બી.ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જે.ડી.પટેલ,આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી વિનોદ ભોયે,આહવા,વઘઈ અને સુબીર મામલતદારશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


