અમદાવાદ,તા.૨૯
અમદાવાદ શહેરમાં વકરેલી ટ્રાફિક જામની સમસ્યા, બિસમાર રસ્તા અને રખડતાં ઢોરનો ત્રાસ એમ ત્રણ બાબતોને લઇને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ હતી, જેમાં હાઇકોર્ટ દ્વારા રખડતાં ઢોરના ત્રાસથી નાગરિકોને રાહત આપવા તંત્રને ખાસ ગાઇડલાઇન અપાઇ હતી. હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ સત્તાવાળાઓએ રખડતાં ઢોર પકડવાની ઝુંબેશને વધુ તીવ્ર બનાવી હોવાનો દાવો છે તેમ છતાં કોટ વિસ્તાર સહિતના મધ્ય ઝોનમાં રખડતાં ઢોરથી લોકોની પરેશાની યથાવત્ છે.
તંત્ર દ્વારા છેક ઓગસ્ટ-ર૦૧૮થી રખડતાં ઢોરને પકડવાનું ‘રાઉન્ડ ધી ક્લોક’ ઓપરેશન હાથ ધરાયું છે, જેના કારણે અગાઉ રોજના પચાસેક ઢોરને પકડીને બહેરામપુરા ખાતે આવેલા ઢોરવાડાને હવાલે કરાતા હતા તેના બદલે હવે દરરોજ ૧૦૦ કે તેથી વધુ ઢોર પકડાઇ રહ્યાં છે
પશુપાલકો દ્વારા પકડાયેલા ઢોરને છોડાવવાની રકમ તેમજ જેટલા દિવસ ઢોરવાડામાં ઢોર પુરાયેલું હોય તેટલા દિવસની ખાધાખોરાકી, પેનલ્ટી વગેરેમાં ત્રણ ગણો વધારો પણ કરાયો છે. તંત્રની આકરી ઝુંબેશ તેમજ પેનલ્ટી સહિતની રકમની વૃદ્ધિથી શહેરના કેટલાક વિસ્તારમાં રોડ પર રખડનારાં ઢોરની સંખ્યામાં ઘટાડો પણ થયો છે. ખાસ કરીને પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં લોકો રખડતાં ઢોરના ત્રાસ સામે આંશિક રાહત અનુભવી રહ્યા છે.
પરંતુ કોટ વિસ્તાર સહિતના મધ્ય ઝોનમાં રખડતાં ઢોરની કનડગતમાં લેશમાત્ર ઘટાડો થયો નથી તેમાં પણ ખાસ કરી અસારવા, માધુપુરા અને જમાલપુરમાં કાચની મસ્જિદવાળા વિસ્તારમાં રોડ પર રખડતાં ઢોર પર કોઇનો અંકુશ ન હોવાનું જણાઇ આવે છે. આમ તો કોટ વિસ્તારના કાલુપુર, દરિયાપુર, ખાડિયા વગેરે પણ રખડતાં ઢોરની રંજાડથી બાકાત નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


