અમદાવાદ,તા.૮
થર્ટી ફર્સ્ટ-ન્યૂ યરની ઉજવણીને હજુ ર૦ દિવસની વાર છે શહેરની અનેક હોટલમાં નવા વર્ષની ઉજવણીનાં આયોજન થઈ રહ્યાં છે ત્યારે શહેરને અડીને આવેલાં ફાર્મ હાઉસમાં એડ્વાન્સ ન્યૂ યર પાર્ટી સેલિબ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારથી ૩૧ ડિસેમ્બર વચ્ચે અમદાવાદ આસપાસનાં ફાર્મ હાઉસ અને ખાનગી બંગલોઝમાં ‘પ્રાઈવેટ પાર્ટી’નાં આયોજન ગોઠવાઈ રહ્યાં છે.
અંગ્રેજી કેલેન્ડરના નવા વર્ષને પાર્ટીમાં મ્યુઝિક અને ડાન્સ-મસ્તી સાથે જ આવકારવું પડે. આવી વિચારધારા વચ્ચે ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં ‘ન્યૂ યર પાર્ટી’નો ટ્રેન્ડ દર વર્ષે વધી રહ્યો છે પણ ૩૧ ડિસેમ્બરની રાત્રે પાર્ટીની મજા ‘કાયદાના બંધન’થી ઘટી જાય છે. આવી માનસિકતા સાથે આ વર્ષે થર્ટી ફર્સ્ટ નાઈટ પહેલાં જ એડ્વાન્સ ‘ન્યૂ યર’ પાર્ટી યોજવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ન્યૂ યર પ્રી-સેલિબ્રેશનનાં આયોજન સાથે સંકળયેલાં સૂત્રોનું કહેવું છે, ગમે તેટલો ખર્ચ કરવામાં આવે તો પણ ૩૧ ડિસેમ્બરે યોજાતી પાર્ટી રાતના ૧૨ વાગતાં પૂર્ણ કરી દેવી પડે છે. જા કોઈ ઘર કે ફાર્મ હાઉસમાં પાર્ટી હોય તો કોઈ પોલીસને ફોન કરી દે તેવી ભીતિ રહે છે. ૩૧ ડિસેમ્બર સોમવારે છે તે પહેલાંના તમામ શુક્રવાર-શનિવાર રાત્રે એડ્વાન્સ ‘પ્રાઈવેટ પાર્ટી’નાં આયોજનમાં ઉછાળો આવ્યો છે.
શહેરમાં યંગસ્ટર્સ અને ટીનેજર્સમાં ‘ન્યૂ યર’ ઉજવણી વધી રહી છે ત્યારે સ્થાનિક રહીશો પણ તેમાં પાછળ નથી સોસાયટી-એપાર્ટમેન્ટમાં ‘ફેમિલી પાર્ટી’નો ક્રેઝ વધી રહ્યો છે. રાતના ૧૨ વાગ્યા સુધી સોસાયટી કે એપાર્ટમેન્ટના રહીશો મ્યુઝીક સિસ્ટમ કે ડીજે સાથે ખુલ્લામાં ‘ફેમિલી પાર્ટી’ યોજે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



