ચંદીગઢ એવેન્જર્સ સામેની મેચમાં ૧૪૨ની સ્ટ્રાઈક રેટ સાથે ૨૧ બોલમાં ૩૦ રન ફટકારતા બેસ્ટ સ્ટ્રાઈકરની ટ્રોફી પણ અંકે કરી
આહવા, તા.૨૦
ક્રિકેટને કેરીયર બનાવવા માટે થનગનતા યુવાનો પૈકીના એક એવા ડાંગના જીત કુમારની અન્ડર-૧૯ નેશનલ પ્લેયર્સ લીગ માટે પસંદગી થતા, તેના જેવા અસંખ્ય યુવાનોમાં નવો જોશ, અને ઉમંગનો સંચાર થવા પામ્યો છે.
તાજેતરમાં રાજધાની દિલ્હી ખાતે યોજાયેલા આ માટેના પસંદગી કેમ્પમાં રાજસ્થાન લાયન્સની ટીમ તરફથી રમતા ડાંગના આ યુવકે બેસ્ટ વિકેટકિપર-કમ-બેટ્સમેન સાથે, બેસ્ટ સ્ટ્રાઇકરની ટ્રોફી મેળવવા ઉપરાંત, અન્ડર-૧૯ નેશનલ પ્લેયર્સ લીગમા પસંદગી પામવા બદલનું સર્ટિફિકેટ પણ મેળવીને, તેના સપનાઓને સાકાર કરવાની ચાવી હાંસલ કરી લીધી છે.
નેશનલ પ્લેયર્સ લીગના પસંદગીકારોએ આ કેમ્પમાં ડાંગ અને ગુજરાત તરફથી ભાગ લેવા ગયેલા આ એકમાત્ર યુવા ખેલાડીમાં વિશ્વાસ વ્યક્ત કરતા, તેને ભારતનો ભાવિ વિકેટકિપર-કમ-બેટ્સમેન ગણાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, દિલ્હીના સુજનસિંગ સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડ ખાતે નેશનલ પ્લેયર્સ લીગ માટેના યોજાયેલા પસંદગી કેમ્પમાં ચંદીગઢ એવેન્જર્સ સામે, રાજસ્થાન લાયન્સ તરફથી રમતા ડાંગના આ યુવાને માત્ર ર૧ બોલમાં ૪ ચોગ્ગા, અને ૧ છગ્ગાની મદદથી ૩૦ રન ફટકાર્યા હતા. ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતા જીત કુમારે ૧૪ર ના સ્ટ્રાઇક રેટ સાથે આ મેચમાં શાનદાર વિકેટકિપિંગ પણ કર્યુ હતું. જેને લઇને તેને બેસ્ટ વિકેટકિપર-કમ-બેટ્સમેન સહિત બેસ્ટ સ્ટ્રાઇકરની ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં ગોવા ખાતે યોજાનારી નેશનલ પ્લેયર્સ લીગ ઉપર તેની નજર છે તેમ જણાવતા આ ડાંગી યુવકે, ડાંગ અને ગુજરાતને ક્રિકેટની રમતમાં ગૌરવ અપાવવાનાં તેના બૂલંદ ઇરાદાને દોહરાવી, આ માટે તે સઘન પ્રેક્ટીસ કરી રહ્ના છે, તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


