કોલમ:- “પ્રેમની વસંત બારેમાસ”
લેખક:- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર:-9824856247
પક્ષીઓનો મધુર કલરવ સંભળાય રહ્યો છે અને મંદિરમાં થઇ રહેલ આરતી જાણે સોનામાં સુગંધ ભેળવી રહી હોય તેમ લાગી રહ્યું છે. વહેલી સવારના કુદરતી સાનિધ્યમાં બગીચામાં અનેક લોકો ચાલવા અને હળવી કસરત કરવા માટે આવી રહ્યા છે. અનેક લોકોની સાથે મિત્તલ નામની કોલેજીયન યુવતી પણ તેના મિત્ર કરણ સાથે બગીચામાં આવી રહી છે. થોડા દિવસો બાદ કરણના કહેવાથી દર્શન નામનો યુવક પણ બગીચામાં તેમની સાથે જોડાય છે. દર્શનને પહેલી નજરમાં જ મિત્તલ ગમી જાય છે અને તે કસરત કરવા ઉપરાંત મિત્તલને જોવા માટે જ બગીચામાં નિયમિત આવી રહ્યો છે. દર્શન કરણને કહે છે કે તારી મિત્ર મિત્તલ મને ગમે છે. આ સાંભળીને કરણ થોડો મૂંઝવણમાં મુકાઈ જાય છે અને દર્શન ને કહે છે કે તને મિત્તલ ગમતી હોય તેનાથી શું ફરક પડવાનો. દર્શનને પ્રશ્ન કર્યો કેમ આવું બોલે છે ત્યારે કરણે કહ્યું કે મિત્તલ ને પણ તું ગમતો હોવો જોઈએ ને. પ્રેમ બન્ને તરફ થી હોવો જોઇએ. પ્રેમ એક તરફી હોય તો ક્યારે પણ સફળ થતો નથી. તારી એ વાત સાચી છે તેમ કહી દર્શન અને કરણ છૂટા પડે છે. દર્શનના ગયા પછી પણ કરણની મૂંઝવણ ઓછી થતી નથી. કરણ મિત્તલને મનોમન પ્રેમ કરી રહ્યો છે પરંતુ હજુ સુધી મિત્તલ કરણ તરફ આકર્ષિત થઈ નથી. કરણને હવે ડર લાગી રહ્યો છે કે કદાચ મિત્તલ તેને નહીં મળે. પ્રેમમાં પણ હરીફ ઉભું થવાના કારણે કરણ ને શું કરવું તે કાંઈ ખબર પડતી નથી. એક બાજુ પ્રેમિકા છે અને એક બાજુ મિત્ર. કરણે બેમાંથી એકની પસંદગી કરવાની છે. આખરે કરણ મિત્રતા નિભાવવાનું નક્કી કરે છે અને મનમાં દૃઢ નિશ્ચય કરે છે કે હું દર્શન અને મિત્તલ બંને સાથે આજીવન મૈત્રી જાળવી રાખીશ. મિત્ર દર્શન માટે કરણ પોતાના પ્રેમનું બલીદાન આપે છે અને રાજી ખુશીથી મિત્તલ અને દર્શન પ્રણયના તાંતણે બંધાય તેવા પ્રયત્નો કરવાનું શરૂ કરે છે.
થોડા દિવસો પછી જ્યારે મિત્તલ અને કરણ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે જાય છે ત્યારે કરણ દર્શનને ફોન કરીને બોલાવે છે. મિત્તલનું નામ સાંભળતાની સાથે જ દર્શન તેના તમામ કામ બાજુ પર મુકીને રેસ્ટોરન્ટમાં પહોંચી જાય છે અને મિત્તલ તથા કરણની સાથે નાસ્તો કરવાની સાથે થોડી વાતચીત કરે છે. આજે પહેલી વખત કરણના પ્રયત્નોથી મિત્તલ અને દર્શન એક જ ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યા છે. બન્નેને એકબીજાથી વધુ નજીક લાવવા માટે કરણ કહે છે કે મારે ખુબ જ જરૂરી કામ હોવાથી હું ૧૫ મીનીટમાં પાછો આવુ છું.. દર્શન મૌન રહે છે પરંતુ મિત્તલ કહે છે કે, પાછો ઝડપથી આવજે ત્યાં સુધી હું અહી જ બેઠી છું. તું આવીશ પછી આપણે સાથે કોલેજ જઇશું. ઓકે, હું આ ગયો ને કામ પતાવી ને તરત પાછો આવી જઇશ તેમ કહીને કરણ મિત્તલ અને દર્શનને રોસ્ટોરન્ટમાં સાથે બેસાડીને નીકળી જાય છે. કરણની યોજના સફળ થઇ રહી હોય તેમ લાગી રહ્યુ છે અને દર્શન મિત્તલની સાથે પહેલી વખત એકલા વાતચીત કરવાનું શરૂ કરે છે. દર્શન મિત્તલને કહે છે કે, તમે ખુબ મહાન છો અને ભણવાની સાથે ઇતર પ્રવૃતિઓમાં પણ અવ્વલ આવી રહ્યા છો. હું નશીબદાર છું કે મને તમારા જેવા મિત્ર મળ્યા. આ સાંભળીને મિત્તલ મંદમંદ હસવા લાગે છે અને કહે છે કે, અહિ રેસ્ટોરન્ટમાં નક્કી ચણાનું ઝાડ ઉગ્યુ લાગે છે. તમે મારા વધારે પડતા વખાણ કરતા હોય તેમ નથી લાગી રહ્યુ? ત્યારે દર્શને કહ્યુ કે, હું તમારા ખોટા વખાણ નથી કરતો પરંતુ તમારૂ વ્યક્તિત્વ ઉત્તમ છે એટલે વખાણ કરી રહ્યો છું. આ સાંભળીને મિત્તલે કહ્યુ કે, જો તમે મારા સાચે જ વખાણ કરી રહ્યા છો તો આપનો ખુબ ખુબ આભાર. મિત્રનો આભાર માનવાનો ન હોય તેમ દર્શને કહ્યુ. સારૂ હો, રેસ્ટોરન્ટનું બીલ ચુકવી આપજો અને પછી હું પણ આપનો આભાર નહી માનું તેમ મિત્તલે કહ્યુ. બીલ તો તમે ન કહ્યુ હોત ને તો પણ હું જ ચુકવવાનો હતો તેમ દર્શને કહેતાની સાથે જ મિત્તલે કહ્યુ કે, જો તમે મને મિત્ર માનતા હોવ તો હું બીલ ચુકવીશ અને ફરી જ્યારે આપણે સાથે રેસ્ટોરન્ટમાં આવીશું ત્યારે તમારે બીલ ચુકવવું હોય તો ચુકવજો. આવી વાતચીત ચાલી રહી હોય છે ત્યારે કરણ પાછો આવે છે અને મિત્તલ કહે છે કે, ચાલો હવે આપણે કોલેજ જઇએ. આ સાંભળીને કરણે કહ્યુ કે, તમે બન્નેએ તે ભરપેટ નાસ્તો કરી લીધો હોય તેમ લાગી રહ્યુ છે પણ મને ભુખ લાગે છે એટલે મારે થોડો નાસ્તો કરવો પડશે. મિત્તલે કહ્યુ કે, તું અમને એકલા મુકીને જતો રહ્યો હતો એટલે હવે એકલો જ નાસ્તો કરીને બહાર આવ, અમે બહાર તારી રાહ જોઇ રહ્યા છીએ. કરણે કહ્યુ કે, દર્શન તું પણ મિત્તલ જેવો બની ગયો, મને એકલો મુકીને જતો રહીશ ત્યારે કરણે કહ્યુ કે, હું તને એકલો મુકીને નથી જઇ રહ્યો પરંતુ મિત્તલને પણ એકલી ન મુકી શકાય એટલા માટે તેની સાથે જઇ રહ્યો છું. સારૂ જાવ ત્યારે તમે બન્ને બહાર ઉભા રહો, હું થોડીવારમાં આવુ છુ. કરણ યોજના પુર્વક ફરીથી દર્શનને મિત્તલ સાથે સમય પસાર કરવાની તક આપે છે. આ વખતે તો દર્શન પણ સમજી જાય છે કે કરણ અમને બન્નેને નજીક લાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. દર્શન અને મિત્તલ રેસ્ટોરન્ટની બહાર નિકળે છે અને વાતચીત કરી રહ્યા હોય છે ત્યારે દર્શન મિત્તલને કોલ્ડ્રીંગ્સ પીવાનો આગ્રહ કરે છે ત્યારે મિત્તલ આંખોના ઇશારાથી હા પાડે છે. મિત્તલની આંખોનો ઇશારો સીધો દર્શનના દિલમાં ઉતરી જાય છે અને તેના દિમાગમાં પ્રેમનો નશો ચડી જાય છે. દર્શન મિત્તલે ઇશારો કરેલ કોલ્ડ્રીંગ્સ લઇ આવે છે અને બન્ને એકબાજાને મોબાઇલ નંબર આપે છે. ઘરે ગયા પછી પણ રાત્રે દર્શન અને મિત્તલ મોબાઇલ પર મેસેજ કરીને વાતચીત કરી રહ્યા છે. થોડા દિવસોની વાતચીત પછી દર્શન અને મિત્તલ એકબીજાની નજીક આવી રહ્યા છે અને કોલેજમાં સાથે જોવા મળી રહ્યા છે. બન્નેને સાથે જોઇને કરણ ખુબ જ ખુશ થઇ રહ્યો છે. યોગ્ય તક ઝડપીને કરણ મિત્તલને મળવા માટે કસરકત કરવા માટે સાથે જતા હતા તે બગીચામાં બોલાવે છે અને કહે છે કે, આજે તમારે મને એક ખુશી આપવાની છે. મારે વળી તને કઇ ખુશી આપવાની છે તેમ મિત્તલે પ્રશ્ન કર્યો ત્યારે કરણે કહ્યુ કે, મિત્તલ અને દર્શનની જોડી ખુબ જ સારી લાગી રહી છે અને આ જોડી મિત્રતામાંથી જીવનસાથી બને તેવી મારા મની ઇચ્છા છે ત્યારે મિત્તલે હસીને કહ્યુ કે, હું તો તૈયાર છુ પરંતુ તમારો મિત્ર મને પત્નિ તરીકે સ્વિકારવા તૈયાર હોવો જોઇએ ને. કરણે કહ્યુ કે, એ તો તને જોઇ ત્યારથી જ તને પોતાની માની ચુક્યો છે. કરણ તરત જ દર્શનને ફોન કરીને બોલાવે છે અને દર્શન બગીચામાં આવતાની સાથે જ કરણ મિત્તલનો હાથ દર્શનના હાથમાં સોંપે છે. કરણના પ્રયત્નોથી મિત્તલ અને દર્શન જીવનસાથી બને છે અને સુખી દાંપત્યજીવનની મૌજ માણી રહ્યા છે. મિત્તલ અને દર્શન સાથે મળીને કરણ માટે પણ યોગ્ય કન્યા શોધીને તેના લગ્ન કરાવે છે. (તસવીર સૌજન્યઃ- ફોરમ પટેલ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





