ટ્રકે કારને ટક્કર મારતા બેનાં મોત, બે ઘાયલ

0
30

આણંદ,તા.૨
આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવ નોંધાયા હતા. જેમાં તારાપુર તાલુકાના ગલિયાણામાં ટ્રકે સામેથી આવી રહેલી કારને અને બોરસદના વાસણામાં ડમ્પરે કારને ટક્કર મારી હતી. ભાવનગરના પોપટભાઈની વાડી સ્થિત રેલવે હોસ્પિટલની પાછળ મનોજ બિપિનભાઈ રાઠોડ રહે છે. તેઓ રેલવેમાં સ્ટેશન ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમના મિત્રો સાથે નવા વર્ષે મુંબઈ ફરવા માટે ભાવનગરથી નીકળ્યા હતા. પરંતુ તેઓ જ્યારે તારાપુર તાલુકાના ગલિયાણા પાસેથી પસાર થઈ રહ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે તેમને ટક્કર મારી હતી. જેમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે કાર ચલાવી રહેલા મયુરસિંહ ભગીરથસિંહ ગોહિલ અને તેની બાજુમાં બેઠેલા સિદ્ધાર્થ ઉર્ફે ભોલો કિરણ સંઘરાજકનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં પાછળની સીટ પર બેઠેલા મનોજભાઈ રાઠોડ અને તેમના મિત્ર નરેન્દ્રસિંહ ગોહિલ સામાન્ય ઈજા થઈ હતી.
જ્યારે અકસ્માતના બીજા બનાવમાં બોરસદના દાવોલ સ્થિત બારોટવાડા ખાતે રહેતા સુનિલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ તેમના પત્ની મોનિકાબહેન, સાસુ સંતોક બહેન, સસરા નરેન્દ્રભાઈ અને મિત્ર મયંક પટેલ સાથે ઉજ્જૈન મંદિરે દર્શન કરવા ગયા હતા.આ દરમિયાન દર્શન કરીને બુધવારે રાત્રિએ વાસદ, બોરસદ થઈ વાસણા તરફ આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતા ડમ્પરે તેમની કારને ટક્કર મારી હતી.જેમાં સુનિલભાઈના સસરા નરેન્દ્ર ભાઈ(ઉ.વ.૬૫)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સુનિલભાઈ, તેમના પત્ની, સાસુ અને મિત્રને ઈજા પહોંચી હતી. આ બંને બનાવ સંદર્ભે તારાપુરા અને બોરસદ શહેર પોલીસે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY