વિશ્ર્વના કોઈપણ પ્રગતિશીલ રાષ્ટ્રમાં આંટો દઈ આવો, ત્યાં રોકાઈને બારીકીથી તેમની ભૌતિકવાદી જાહોજલાલી માણી આવો, આપણો દેશ એ આપણો દેશ છે. સંસ્કૃતિ, સભ્યતા અને મહદ્અંશે સૌમ્ય પ્રજા. હા, ગામડાં હજી અલ્પ વિકસિત લાગે, પરંતુ ગામડાં પણ હવે બદલાઈ રહ્યાં છે. આર્થિક સધ્ધરતા ધીમી પણ મક્કમ ગતિએ ભારત વિશ્વભરમાં નામ રોશન કરી રહ્યું છે.
છેલ્લા થોડા વર્ષોથી ભારત આર્થિક બાબતોની વાત માંડીએ તો, જ ઝડપથી ડેવલપ થઈ રહ્યું છે, તેનાથી વિશ્ર્વના અન્ય દેશોની આંખ અંજાઈ ગઈ છે. એમાં પણ વિશ્ર્વ આજે આર્થિક ડચકાં ખાઈરહ્યું છે ત્યારે ભારતનો ઝડપી આર્થિક ગ્રોથ એક ભારતીય તરીકે ગૌરવ લેવાની વાત તો છે જ.
છપ્પન ઈંચની છાતી ધરાવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહીને રીતસર ધડાકો કર્યો છે કે ભારત ૨૦૩૦ સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી ઈકોનોમી બની રહેશે.
મોદીએ ફેકંફેકી નથી કરી, એમણે ઊંડા અભ્યાસ અને આંકડાંઓ માંડીને વાત કરી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બૅંક જેવી ખ્યાતનામ એજન્સીઓનું પણ આવું જ કહેવું છે કે ભારતમાં ઝડપી ગ્રોથનો ટ્રેન્ડ આગામી વર્ષોમાં પણ ચાલુ રહેશે.
હકીકત એ પણ છે કે આ આર્થિક વૃદ્ધિનો દોર મોદીની સરકાર આવી ત્યાર પછી જ ચાલુ જ થયો છે એવું નથી. અગાઉ નરસિંહ રાવ અને ડા. મનમોહન સિંહના સમય દરમિયાન પણ ભારત આર્થિક તરક્કી કરી જ રહ્યું હતું. મોદીએ એમની દુરંદેશી મુજબ એને વધુ ગતિશીલ બનાવી કે તેને ચેનલાઈઝ કરી છે અને આગામી સમયમાં અન્ય કોઈની સરકાર આવે, ભારતનું આર્થિક ભાવિ સધ્ધર જ છે એ પણ સમજી લેવું પડે.
હાલ ભારત વૈશ્વિક ઈકોનોમીની યાદીમાં છઠ્ઠા સ્થાને છે ત્યાંથી બીજા ક્રમે આવવું એટલે અમેરિકા અને ચીનની બરોબરી કરવી અથવા તેમને બાજુ પર રાખી દેવા.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના રિપોર્ટ મુજબ ભારત ૨૦૩૦ સુધીમાં વિશ્ર્વની બીજી સૌથી ઈકોનોમી બનવામાં અમેરિકાને પરાજિત કરે એવી સંભાવના છે. ચીન ત્રીજા નંબરે આવશે. આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ભારતની ઝડપી આર્થિક વૃદ્ધિનો અભ્યાસ કરીને એવું ભવિષ્ય ભાખ્યું છે કે ભારત ધીમે ધીમે ચીનથી આગળ નીકળી જશે. ચીનની આર્થિક વૃદ્ધિ ઢીલી પડી જશે.
વિશ્ર્વસ્તરે ક્રૂડ ઓઈલના ભાવની ચાલ બદલાય, પેટ્રોલિયમની કિંમતમાં ફેરફાર થાય, આમ છતાં ભારતે તેની આર્થિક ચાલ પકડી રાખી છે. આજે આપણે વિશ્ર્વમાં ચૌથી મોટી રિફાઈનિંગ કૅપેસિટી છીએ. ૨૦૩૦ સુધીમાં આ ક્ષમતા ૨૦૦ મિલ્યન મેટ્રિક ટને પહોંચશે. ગયે વર્ષે આપણી રાષ્ટ્રીય બાયો-ફયુલ પોલિસી ઘડાઈ.
આપણું ઊર્જા પ્લાનિંગ જબરજસ્ત છે. ભારતના ઉજ્જવળ ભાવિમાં એનર્જી એક્સેસ, એફિશિયન્સી, સસ્ટેઈનિબિલીટી અને સિકયોરિટી- આ ચાર સ્તંભ છે. લગભગ તમામ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પહોંચી ગઈ છે. આપણો દેશ સૌભાગ્ય, ઉદય, ઉજાલા જેવી સ્કીમોથી અને તેના સુખદ પરિણામોથી ઝળાહળાં થઈ રહ્યો છે. યુએનના વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ (ડબ્લ્યુઈએસપી) મુજબ ૨૦૧૯- ૨૦૨૦માં આપણો જીડીપી ગ્રોથ ૭.૬ ટકાએ પહોંચવાની સંભાવના છે. ભારતની ઓવરઓલ આર્થિક વૃદ્ધિની ઝડપ જાતાં કોઈપણ રાજકીય પક્ષના અચ્છે દિન આવે કે ન આવે, પરંતુ દેશના અચ્છે દિન નિશ્રિ્ચત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


