પ્રિયંકા કેટલી સફળ થશે એ તો સમય બતાવશે પણ તેની અસર વર્તાવા લાગી…!!

0
40

અંતે પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી દીધી. આમ તો પ્રિયંકા ગાંધીની નિમણૂક કાંગ્રેસના મહામંત્રી તરીકે થઈ ત્યારથી જ પ્રિયંકા સક્રિય રાજકારણમાં આવી ગયેલાં પણ તેમણે કામની શરૂઆત નહોતી કરી. સોમવારે લખનઊમાં રોડ શો કરીને પ્રિયંકાએ એ વિધિ પણ પતાવી દીધી. લખનઊના રોડ શોમાં કાંગ્રેસના નેતાઓએ ઠીક ઠીક માણસ પણ ઠાલવી દીધેલું. પ્રિયંકાનો રોડ શો ૧૪ કિલોમીટર લાંબો હતો ને આ રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ માણસો ગોઠવાઈ ગયેલાં. એ રીતે પ્રિયંકાનો રોડ શો પ્રમાણમાં સારી એવી જમાવટ કરનારો સાબિત થયો.
જા કે રોડ શોના કારણે કોઈ તારણ પર આવવાની જરૂર નથી. તેનું કારણ એ કે કાંગ્રેસીઓ માટે નહેરુ-ગાંધી ખાનદાન માઈ-બાપ છે. તેમાં પણ પ્રિયંકા પર તો તેમના માટે બહુ મોટી આશાઓ ટકેલી છે. કાંગ્રેસે આ લોકસભાની ચૂંટણી જીતવી હોય તો મહેનતની સાથે સાથે કરિશ્માની પણ તેને જરૂર છે. આ કરિશ્મો પ્રિયંકા પાસે છે એવું કાંગ્રેસીઓ માને છે તેથી પ્રિયંકાના રોડ શોને સફળ બનાવવા એ લોકો પૂરી તાકાત લગાવી જ દે તેથી પ્રિયંકાના રોડ શોમાં મોટા પ્રમાણમાં માણસ ખડકાઈ ગયું તેમાં નવાઈ નથી. મુખ્ય વાત આ બધાં લોકો મતમાં પરિવર્તિત થાય કે નહીં એ હોય છે. બાકી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી ને અખિલેશ યાદવ ભેગા મળીને રોડ શો કરતા એ વખતે આનાથી વધારે લોક ભેગું થઈ જતું હતું. એ છતાં ચૂંટણીમાં બંનેના શા હાલહવાલ થયા એ આપણી નજર સામે છે. આ સંજાગોમાં આ રોડ શોના કારણે કાંગ્રેસીઓએ હરખાઈ જવાની જરૂર નથી ને પ્રિયંકાની એન્ટ્રીથી ઉત્તર પ્રદેશમાં સપાટો બોલી જશે એવા તારણ પર આવવાની જરૂર નથી.
પ્રિયંકા કાંગ્રેસને કેટલો ફાયદો કરાવશે એ અંગે કશું પણ કહેવું વહેલું છે પણ પ્રિયંકાના આગમનથી રાજકીય સમીકરણો બદલાવા માંડ્યાં છે તેમાં મીનમેખ નથી. આ પૈકી ત્રણ સૌથી મોટા ફેરફારની નોંધ લેવી જ પડે. પહેલો ફેરફાર એ થયો કે, કાંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ પેદા થઈ ગયો છે ને તેમાં પણ ઉત્તર પ્રદેશમાં આ ઉત્સાહ સૌથી વધારે છે. બીજા ફેરફાર એ કે, ભાજપના નેતાઓ રાહુલને બાજુ પર મૂકીને પ્રિયંકાને નિશાન બનાવીને લવરીએ ચડી ગયા છે. ત્રીજા ફેરફાર એ કે, અત્યાર લગી કાંગ્રેસને સાવ ભાજીમૂળો સમજીને વર્તતી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના કાંગ્રેસ તરફના વલણમાં બહુ મોટો ફેરફાર આવી ગયો છે.
પ્રિયંકાના આગમનના કારણે કાંગ્રેસના કાર્યકરોમાં પેદા થયેલો જુસ્સો સ્વાભાવિક છે. રાહુલ ગાંધી શરૂઆતમાં બહુ ચાલ્યા નહોતા ને લોકોને એવું જ લાગતું હતું કે, રાહુલ ગાંધીમાં જરાય વેતો નથી ને આ ભાઈ ચાલવાના નથી. ભાજપના નેતાઓ તો મજાક પણ કરતા કે, રાહુલ છે ત્યાં લગી અમને વાંધો જ નથી. રાહુલની ક્ષમતામાં એ વખતે કાંગ્રેસના કાર્યકરોને પણ બહુ ભરોસો નહોતો. એ લોકો પણ રાહુલને બદલે પ્રિયંકાને આગળ કરવાનો રાગ છેડ્યા જ કરતા હતા. લોકસભાની ચૂંટણીમાં કાંગ્રેસનું સાવ પડીકું થઈ ગયું પછી એવું લાગતું જ હતું કે, સોનિયા ગાંધી પણ રાહુલને કોરાણે મૂકીને પ્રિયંકાને આગળ કરી દેશે. એવું ના થયું ને સોનિયાએ રાહુલમાં ભરોસો બતાવી તેમને ચાલુ રાખ્યા. રાહુલે ધીરે ધીરે જમાવટ કરી છે ને ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને પછાડીને સાબિત કર્યું કે, પોતાને સાવ લખી વાળવા જેવા નથી.
રાહુલ અત્યારે જારમાં છે ને કાંગ્રેસીઓને એટલો તો પાકો ભરોસો થઈ જ ગયો છે કે, રાહુલ લોકસભાની ચૂંટણીમાં કાંગ્રેસને જીતાડે કે ના જીતાડે એ પછીની વાત છે પણ તેમનામાં ભાજપને ભરી પીવાની ને ભાજપને ભિડાવી પણ દેવાની તાકાત તો છે જ. રાહુલ આક્રમક છે ને ઝનૂની છે. સાથે સાથે લોકો સાથે જીવંત સંપર્ક રાખનારો માણસ પણ છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી ગ્લેમરસ છે ને કરિશ્માપૂર્ણ વ્યકિતત્વ ધરાવે છે. આમ રાહુલ ને પ્રિયંકા બંને સાથે કામ કરે તો કાંગ્રેસની તાકાત વધી જ જાય. આ સંજાગોમાં કાંગ્રેસીઓમાં જીતનો જુસ્સો પેદા થાય એ બિલકુલ સ્વાભાવિક છે.
બીજા ફેરફાર એ છે કે, પ્રિયંકાની એન્ટ્રીના કારણે ભાજપવાળા પણ સતર્ક થયા છે ને તેમને પણ લાગવા માંડ્યું છે કે, ભાજપ માટે રાહુલ કરતાં મોટો ખતરો પ્રિયંકા છે. તેનું કારણ એ જ છે કે, પ્રિયંકા ગાંધી ગ્લેમરસ છે ને કરિશ્માપૂર્ણ વ્યકિતત્વ ધરાવે છે. પ્રિયંકાની સરખામણી ઈન્દીરા ગાંધી સાથે થાય છે ને આપણે ત્યાં મતદારો આવી બધી લાગણીઓમાં બહુ જલદી તણાઈ જતા હોય છે. ભાજપ માટે ચિંતાની વાત એ છે કે, પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં સક્રિય થયાં છે. ઉત્તર પ્રદેશમાં કુલ ૭૫ જિલ્લા છે ને તેમાંથી ૨૫ જિલ્લા પૂર્વ ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશમાંથી લોકસભાની ૮૦ બેઠકો છે ને તેમાંથી ૪૨ બેઠકો એટલે કે અડધા કરતાં વધારે બેઠકો આ વિસ્તારમાં છે. નરેન્દ્ર મોદીનો મતવિસ્તાર વારાણસી અને યોગી આદિત્યનાથનો મતવિસ્તાર ગોરખપુર બંને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવે છે. આ બંને વિસ્તારમાં પ્રિયંકા મોરચો સંભાળશે. આ વિસ્તાર ભાજપનો ગઢ છે ને ભાજપે ફરી લોકસભાની ચૂંટણી જીતવી હોય તો આ ગઢ સાચવવો પડે એમ છે. હવે લોકો લાગણીઓમાં તણાઈને મતદાન કરવા માંડે તો ભાજપના ગઢના કાંગરા ખરવા માંડે તેથી ભાજપને પ્રિયંકાનો વધારે ડર છે.
ભાજપના નેતાઓ પ્રિયંકા વિશે જે લવારા કરી રહ્યા છે તેમાં આ ડર દેખાય જ છે. પ્રિયંકા વિશે છપ્પન ઈંચની છાતી અંગેની સાવ હલકી કક્ષાની કોમેન્ટસથી માંડીને એ દિલ્હીમાં જીન્સ-ટોપ પહેરે છે ને મતવિસ્તારમાં સાડી-સિંદૂર પહેરીને આવે છે ત્યાં સુધીની કોમેન્ટ્‌સ ભાજપના નેતાઓનો ગભરાટ બતાવે છે. ભાજપ જેવા રાજકીય પક્ષના નેતાઓએ એક યુવતીનાં કપડાં વિશે કોમેન્ટ્‌સ કરવી પડે એ તેમની માનસિક દરિદ્રતાનો પુરાવો તો છે જ પણ તેમના ગભરાટનું પ્રતીક પણ છે. આ પ્રકારની કોમેન્ટ્‌સ ભાજપને ભારે પડી શકે છે પણ ભાજપના નેતાઓ એટલા ગભરાટમાં છે કે તેમને એ વાતનું ભાન પણ નથી રહ્યુ.
ત્રીજા ફેરફાર અખિલેશ અને માયાવતીના વલણમાં આવેલો ફેરફાર છે. માયાવતી ને અખિલેશે હજુ મહિના પહેલાં જ કાંગ્રેસ સાવ ટૂણિયાટ પક્ષ હોય એ રીતે ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી ૪ બેઠકો છોડીને બાકીની બેઠકો પોતે વહેંચી લીધી હતી. બંને પક્ષે પોતે ૩૮-૩૮ બેઠકો પર લડવાનું એલાન કરી દીધેલું ને કાંગ્રેસને પૂછવાની તસદી પણ નહોતી લીધી. રાહુલ ગાંધીની અમેઠી બેઠક ને સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક તેમણે રાજકીય સૌજન્ય ખાતર છોડી દીધેલી પણ એ સિવાયની બેઠકો વિશે કાંગ્રેસનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો. આ બંને પક્ષના નેતાઓએ કાંગ્રેસના ઘા પર મીઠું ભભરાવતાં નિવેદનો પણ પછી ઠોકવા માંડેલાં. એ પછી રાહુલે બધી બેઠકો પર લડવાનું એલાન કરેલું ત્યારે પણ તેમણે રાહુલની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખેલી.
હવે પ્રિયંકાની એન્ટ્રી થઈ એ સાથે જ માયાવતી ને અખિલેશ બંને ઢીલાં પડી ગયાં છે. અત્યાર લગી કાંગ્રેસને ગણતરીમાં જ ના લેનારાં માયાવતી ને અખિલેશ હવે કાંગ્રેસ સાથે બેસવા તૈયાર છે ને એક વાત એવી પણ છે કે, બંને કાંગ્રેસને વધારાની એક ડઝન મળીને કુલ ૧૪ બેઠકો આપવા પણ તૈયાર છે. મતલબ કે સપા અને બસપા પોતે નક્કી કરી નાંખેલી બેઠકોમાંથી બીજી છ-છ બેઠકો કાંગ્રેસ માટે છોડવા તૈયાર થઈ ગયાં છે. આ વાત કેટલી સાચી છે એ ખબર નથી પણ બંને પક્ષના નેતાઓ પ્રિયંકાના આગમન પછી કાંગ્રેસ વિશે લવારા કરતા અચાનક બંધ થઈ ગયા છે તેના પરથી સ્પષ્ટ છે જ કે, પ્રિયંકાના આગમનને તેમણે ગંભીરતાથી લીધું છે. સપા અને બસપા કાંગ્રેસને સાથે રાખે એ વ્યૂહરચનાની રીતે પણ સારું છે. કાંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પતી ગયેલી છે પણ પ્રિયંકાના કારણે લોકોને તેનામાં રસ પડે તો ભાજપ વિરોધી મતો વહેંચાય એવું બને. તેના કારણે નુકસાન સપા-બસપા જાડાણને જ થાય. પ્રિયંકાના કારણે ભાજપ વિરોધી મતો વહેંચાય તો બંને ઠેરના ઠેર આવીને ઊભા રહે તેવો ડર તેમને સતાવવા માંડ્યો છે એ દેખીતું છે. આમ મતોનું વિભાજન ના થાય એટલે તેમણે કાંગ્રેસને સાથે રાખવાની વાતો કરવા માંડી છે. પ્રિયંકા કેટલી સફળ થશે એ આપણને ખબર નથી પણ અત્યારે તો તેની અસર વર્તાવા માંડી છે એ કબૂલવું પડે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY