રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને નમો ઈ- ટેબલેટનું વિતરણ કરતા વિદ્યાર્થીઓને પોરસ ચડાવતા કહ્યું હતું કે રાજ્યના યુવાનોએ વૈશ્વિક મંચ ઉપર છવાઈ જવા માટે મચી જવું પડશે. ૨૦૨૨ સુધીમાં દસ હજાર વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમા શિક્ષણ મેળવે તેવી સરકારની નેમ છે. રાજ્યમાં સંશોધન આધારિત શિક્ષણ વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં અમલી બનાવાઈ છે. તેવી બહુ સરસ અને સારી વાતો કરી હતી. રાજ્યના યુવાધનનો વિકાસ થાય તે હર્ષની વાત છે… પરંતુ રૂપાણીજીની વાત હથેળીમાં ચાંદ બતાવતી છે….! કારણ કે વિશ્વની પ્રથમ ૧૦૦ યુનિવર્સિટીમાં રાજ્યની તો શું દેશની એક પણ યુનિવર્સિટીનો સમાવેશ નથી થયો. અને આશ્ચર્યની વાત એ છે કે ૧૦૦ તો ઠીક પણ ૩૦૦ યુનિવર્સિટીમાં પણ ગુજરાતની એક પણ યુનિવર્સિટીને સ્થાન મળ્યું નથી. જે એક તદ્દન નગ્ન સત્ય હકીકત છે… ત્યારે ખરેખર જો રાજ્યના શિક્ષિત કે શિક્ષણ મેળવતા યુવાધનનું ઉજ્વળ ભવિષ્ય ઈચ્છતા હોય તો રૂપાણી સરકારે પોતાને સવાલ કરવાની જરૂર છે કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે પછાત કેમ છે….?! વિશ્વની યુનિવર્સિટીઓમાં રાજ્યની એક પણ યુનિવર્સિટી ને શા કારણે સ્થાન નથી મળ્યુ….? ત્યારે તેના મૂળમાં ઉતરીને તે માટે સમશ્યાનું નિવારણ કરવા તૈયાર થશે ખરા….?
વિશ્વભરમા એક ઉક્તિ છે કે *જે દેશને કે રાજ્યને ખતમ કરવા હોય તો તેના શિક્ષણના મૂળમાં ઘા કરો* તેના પાયા હચમચી જશે ત્યારે દેશ કે રાજ્ય વિકાસજ નહીં કરી શકે…! જે એક હકીકત છે. અને ગુજરાતભરમાં એવું જ થઈ રહ્યું છે…!! ગ્રામ્યસ્તરેથી લઈને મોટા શહેરો સુધી એક જ હવા ઉભી કરી દેવામાં આવી છે કે ખાનગી શાળાઓમાં સારૂં શિક્ષણ મળે છે. ખરેખર જો ૧૯૯૦ સુધી સરકારી પ્રાથમિક શાળાઓ- હાઇસ્કૂલો- સરકારી કોલેજો જે પ્રકારનું ભણતર સાથે ગણતર શીખવતી હતી તેવુ શિક્ષણ અત્યારે ક્યાં રહ્યું છે…?! હા, એક વાત તેવું શિક્ષણ આપવાનુ તો દિલ્હી રાજ્યની કેજરીવાલ સરકારે અમલમાં મૂક્યું છે. તેની સરકારે ૧૦૦ શાળા એવી તૈયાર કરી કે ખાનગી શાળાઓને તાળા મારવાની નોબત આવી છે… તેમાં પણ ૪૦ શાળાઓ એવી તૈયાર કરી કે જ્યાં લેબોરેટરી સહિતની વિવિધ વિષયોનું જ્ઞાન- જાણકારી વિદ્યાર્થીઓને મળી રહે તેવું નક્કર આયોજન કર્યું છે. ત્યારે ગુજરાતમાં શું થઈ રહ્યું છે….? શાળાઓમા પૂરતા શિક્ષકો નથી અને જે તાલીમબધ્ધ છે તેઓને સરકારી શાળાઓ માટે પૂરા પગારથી ભરતી કરવામાં આવતા નથી.. જે તે વિષયના તજજ્ઞ શિક્ષકો પણ છે…. છેલ્લા દસ વર્ષથી એક પણ વ્યાયામ શિક્ષણ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી…. ટુકમા શાળાઓમા શિક્ષકોની જરૂરત હોવા છતા ભરતી કરવામાં આવતી નથી. રાજ્યમા અનેક શાળા ખંડેર બનવા તરફ જઈ રહી છે કે બની ગઈ છે. નવી શાળાઓને ઊભી કરવામાં આવતી નથી કે જૂની શાળાઓની મરામત કરવામાં આવતી નથી…જો સરકારી શાળાઓમા- હાઇસ્કૂલો- કોલેજોમા આધુનિક જરૂરી સુવિધિઓ ઊભી કરાય તો રાજ્યનું શિક્ષણ અવ્વલ નંબરે પહોંચે અને યુવા- વિધ્યાર્થી ધન રાજ્યની યુનિવર્સિટીઓની દુનિયામાં નામના મેળવે…
રાજ્યમાં બંધારણે લોકોને આપેલા મફત શિક્ષણના અધિકારનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે….! પણ રાજ્ય સરકારે ગ્રામ્ય શાળાઓને- જ્યા વિદ્યાર્થી ઓછા છે તેને મર્જર કરવાનું સ્વરૂપ આપી દેવા સાથે શિક્ષણનું વેપારીકરણ કરી નાખ્યું છે. શિક્ષણને ધંધા નું સ્થળ બનાવી દીધું છે…! અને ત્યાં માત્ર મસમોટી ફી ઉપરાંત વિવિધ બહાનાં હેઠળ ચાર્જ વસૂલવામાં આવે છે.આવી ખાનગી શાળાઓમા ભણતર મળે છે પણ પોપટિયું જ્ઞાન જેવું અને ગણતર તો મળતું જ નથી… પછી વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને કે ધુધળુ…..? રૂપાણીજી, આપ ધારો તો ગ્રામ્ય સ્તરથી લઈ મોટા શહેરો સુધી શિક્ષણ સ્તર સુધારવા… સરકારી શાળાઓને આધુનિક સુવિધા અને શિક્ષણ સાથે ગણતરના પાઠ શીખવાડે એવું કરો… તો યુવાધન વિશ્વ કક્ષાએ પહોંચે. કારણ રાજ્યનુ યુવાધન તેજસ્વી- ઉત્સાહી અને તંદુરસ્ત છે.. ત્યારે ખાનગી શિક્ષણને મહત્વ ન આપો એ જરૂરી છે બાકી તો…..!! વંદેમાતરમ…..
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



