ગુજરાતની નાનકડી હ્રદયશ્રી અમેરિકાના ફિલ્મ ફેસ્ટીવલમાં કેમ જઈ રહી છે..?!!

0
8

રાજકારણીઓ માટે ગાંધીજી સત્તાની ખુરશી સુધી જવાના રસ્તા સિવાય વિશેષ કાંઈ નથી, આમ છતાં કટ્ટરપંથીઓના લાખ પ્રયત્ન છતાં સામાન્ય માણસમાં જીવતા ગાંધીને તેઓ મારી શકયા નથી. ગાંધીને પ્રેમ કરવો અથવા ગાંધીવાદી હોવું તેનો અર્થ તેવો નથી કે નખશીખ ખાદી ધારણ કરેલી હોય પણ હવે જીન્સ અને આધુનિક કપડા પહેરતા યુવાનોમાં પણ ગાંધી વધુ જીવંત બન્યા છે. જ્યારે હ્રદયશ્રી દવે તો હજી માંડ ૧૨ વર્ષની છે, છતાં તેને મન ગાંધી એક ચમત્કાર કરતા વિશેષ છે, બે વર્ષ પહેલા અમદાવાદ સ્થિતિ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમ જેને લોકો સાબરમતી આશ્રમ તરીકે ઓળખે છે તેને ૨૦૧૭માં એકસો વર્ષ પુરા થયા હતા, આશ્રમના ૧૦૦ વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થયા હતા. જેમાં વ્યુફાઈન્ડર દ્વારા ગાંધી આશ્રમ જીવન આધારિત દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી હતી. જેનું નામ હતું સત્યની પ્રયોગશાળા.
અમદાવાદની નાનકડી દીકરી હ્રદયશ્રી દવે ત્યારે માંડ દસ વર્ષની હતી, સત્યની પ્રયોગશાળા નામની દસ્તાવેજી ફિલ્મ હ્રદયશ્રીનું નાનકડુ મન ગાંધીને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગાંધી માત્ર પાઠય પુસ્તકમાં જ રહી જાય પણ ગાંધી આજે પણ વર્તમાનમાં એટલો જ મહત્વનો છે. તેવું દર્શાવવામાં આ ફિલ્મ સફળ રહી છે. ફિલ્મના લેખન અને ફિલ્મમાં હ્રદયશ્રી સાથે ભૂમિકા અદા કરનાર મેહુલ મકવાણા આજના સમયમાં પણ ગાંધી કેટલા પ્રસ્તુત છે તે રજુ કરવામાં સફળ રહ્યા છે. ગાંધીની સાદગી, મજુર હડતાલ, અમદાવાદની શ્રેષ્ઠીઓ અસ્પૃશ્યતા નિવારણ, નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અને ગાંધી સામે થયેલા રાજદ્રોહના કેસ સહિત અનેક ઘટનાઓ ખુબ સુંદર રીતે આવરી લેવામાં આવી છે.
દાંડી કુચ વખતે ગાંધીએ કહ્યું હતું કે, કાગડા કુતરાના મોતે મરીશ પણ પણ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પગ નહીં મુકુ તે ઘટના પણ ફિલ્મમાં આબેહુબ મુકવામાં આવી છે. જુન મહિનામાં લોસ એન્જેલસ અને ન્યૂજર્સીમાં યોજાનાર વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલ માટે સત્યની પ્રયોગશાળાની દસ્તાવેજી ફિલ્મની કેટેગરીમાં પસંદગી થઈ છે. તા ૭ એપ્રિલના રોજ આ ફેસ્ટીવલના જ્યુરી સામે રજુ થયેલી વિવિધ ફિલ્મમાં સત્યની પ્રયોગશાળાને ફેસ્ટીવલમાં પ્રવેશ મળે તે માટે મહોર વાગી હતી. હ્રદયશ્રી પણ આ ફેસ્ટીવલમાં ભાગ લેવા અમેરિકા જઈ રહી છે. હ્રદયશ્રી દવેનો પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે હ્રદયશ્રીએ કહ્યું એક અમદાવાદી તરીકે ફિલ્મ ફેસ્ટીવલમાં જવા મળે છે તે સૌથી ગર્વની વાત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY