દેવભૂમિ દ્વારકા,તા.૧૨
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે ૨૦૧૭માં યોજાયેલી દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે. ૨૦૧૭માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા. હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે.
ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય પબુભા માણેક સામે ચૂંટણી લડેલા મેરામણ ગોરિયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગોરિયાએ દાવો કર્યો હતો કે પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે, આથી તેનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે.
મેરામણભાઈ ગોરીયાએ પોતાના વકીલ મારફતે ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે ૨૦-૧૧-૨૦૧૭ના રોજ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ-૧માં ઉમેદવાર કઈ વિધાનસભા લડવા માંગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જાકે, કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા પબુભા આ બેઠક પરથી ચૂંટણી લડી શક્્યા હતા.
આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પોતાના વકીલ મારફતે આ અંગેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.
આ બાબતે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ જણાવ્યું હતું કે, “ચૂંટણી ફોર્મની પ્રક્રિયા દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે પબુભા માણેકે તેમને ઉમેદવારી ફોર્મમાં “વિધાનસભા ૮૨ દ્વારકા” લખ્યું ન હતું. આ બાબતે અમે તેનો વિરોધ કર્યો હતો. આ મામલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકારના દબાણ હેઠળ અધિકારીઓએ ફોર્મ માન્ય રાખ્યું હતું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હતો. આજે સત્યની જીત થઈ છે. કોર્ટે આ ચૂંટણી રદ કરીને નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ કર્યો છે.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



