અરવલ્લી,તા.૨૮
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો છેદ ઉડાડી લોકો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના બહાના હેઠળ કરોડો રૂપિયાના વિદેશી દારૂના ઘૂંટડા ભરી માદક ઉજવણી કરવા રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ન્યુ યર પાર્ટીના આયોજન પુરજોશમાં થઇ રહ્યા છે. બુટલેગર્સ પણ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં દારૂના રસિયાઓને દારૂ પહોંચાડી ખિસ્સા ગરમ કરવા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે. અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ૧૫ આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવાતા બુટલેગર્સને છૂટો દોર મળી ગયો છે. અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે લીંભોઇ નજીક નાકાબંધી કરતા વિદેશી દારૂ ભરી પસાર થતી સ્વીફ્ટ કારનો ચાલક પોલીસ જોઈ રોડ નજીક કાર મૂકી રફુચક્કર થતા પોલીસે કારમાંથી ૬૪૮૦૦/- રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો હતો.
અરવલ્લી જીલ્લા એલસીબી પીએસઆઈ કે.કે.રાજપૂત અને તેમની ટીમે મોડાસા-હિંમતનગર રોડ પર પેટ્રોલિંગ હાથધરી ખુમાપુર નજીક વાહન ચેકીંગ હાથધરાતા સ્વીફ્ટ કાર (ગાડી.નં- ય્ત્ન ૦૧ દ્બઇ ૮૮૦૫) માં વિદેશી દારૂ ભરી પસાર થતો બુટલેગર પોલીસ ચેકીંગ જોઈ બુટલેગર કાર રીવર્સમાં લઈ ભાગવા જતા કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. અંધારાનો લાભ લઈ બુટલેગર ખેતરમાં થઈ નાસી ગયો હતો. એલસીબી પોલીસે રોડ નીચે ઉતરી ગયેલી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂના ક્વાંટરીયા-બિયર નંગ-૪૩૨ કિં.રૂ.૬૪૮૦૦/- અને કારની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ.રૂ.૩,૬૪,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



