બનાસકાંઠા,તા.૨૨
રાજ્યમાં હાલ સામાજિક અસમરસતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક દલિતોના વરઘાડોને રોકવામાં આવી રહ્યા છે તો ક્યાંક દલિતો પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ક્યાંક સામાજિક અસમરસતાના માહોલ વચ્ચે બેમિસાલ સમરસતા અકબંધ રહેવા પામી છે જે કાબિલેતારીફ છે. એક ઠાકોર મહિલાએ વાલ્મીકી પ્રસૂતાને લોહી આપીને નવજીવન બક્ષી માનવધર્મ ચરિતાર્થ કર્યો છે.
બનાસકાંઠાના દિયોદરના કોતરવાડાની ગામની પ્રસૂતા ભાવનાબહેન વાલ્મીકીને પ્રસૂતિની પીડા ઊપડતાં દવાખાને લઈ જવામાં આવી હતી. જ્યાં તેમની તબિયત લથડતાં તાત્કાલિક ત્રણ બોટલ લોહીની જરૃર પડી હતી. આકસ્મિક લોહી ક્યાંથી લાવવું તેની દ્વિધા વાલ્મીકી પરિવારમાં ઉદ્ભવી હતી અને પરિવાર ઘેરી ચિંતામાં સરી પડયો હતો.
દરમિયાન ગામની મહિલા સૂર્યાબહેન ઠાકોરને આ ઘટનાની જાણ થતાં તેઓ બ્લડ બેન્કમાં પહોંચી ગયા હતા અને વાલ્મીકી મહિલાને પોતાનું લોહી ચડાવી શકાય છે કે કેમ તેની તપાસ કર્યા બાદ રક્તદાન કર્યું હતું. બાદમાં એ રક્ત વાલ્મીકી પ્રસૂતાને તાકીદે ચડાવી દેતાં પ્રસૂતાને નવજીવન મળ્યું હતું. ઠાકોર મહિલાએ વાલ્મીકી મહિલાને કોઈ નાત કે જાતનો ધર્મ જોયા વિના લોહી આપી માનવતા મહેકાવતાં તેની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



