ભાવનગર,તા.૯
વિવાદોનું કેન્દ્ર બનેલું ગઢડાનું ગોપીનાથજી મંદિર ફરી એક વાર વિવાદમાં સપડાયું છે. મંદિરના પાટોત્સવ પહેલાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષની સાંખ્યયોગિની બહેનો વચ્ચે ઓરડાઓને લઈને વિવાદ થયો છે. વડતાલ મંદિરના ગાદીપતિ રાકેશપ્રસાદ મંદિરના પાટોત્સવની મુલાકાતે આવે તે પહેલાં જ મંદિરમાં ધમાલ થઈ છે. આચાર્ય પક્ષની બહેનોએ ભગવાનના ઓરડાને તાળા મારી દીધા હતાં. જેને તોડવાની ફરજ પડી હતી અને મામલો વકર્યો હતો.
ગઢડા મંદિરમાં આજે પાટોત્સવ છે. વડતાલ મંદિરના ગાદીપતિ રાકેશપ્રસાદ આજે ગઢડા મંદિરે આવવાના છે, તે પહેલાં આચાર્ય પક્ષની સાંખ્યોગિની બહેનોએ ભગવાનના ઓરડાને તાળા મારી દેતાં વિવાદ થયો છે. દેવ પક્ષ દ્વારા મંદિરના તાળા તોડવામાં આવ્યા છે. આ ઘટના બાદ દેવ પક્ષ દ્વારા તાળું તોડી અન્ય તાળું મારી દેવામાં આવ્યું હતું. દેવ પક્ષની બહેનોએ મંદિરની ઓફિસમાં પહોંચી અને ધમાલ કરી હતી. બનાવની જાણ થતાં મંદિરના પ્રસાશન દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસની હાજરીથી મામલો સમેટાયો હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



