બોટાદ,તા.૬
વિદ્યાર્થીઓ ગામડાની સરકારી શાળામાં સુવિધાઓના અભાવે શિક્ષણ છોડી દેતા હોવાના ઢગલાબંધ દાખલા જોવા મળે છે પરંતુ ક્યારેક શાળાના શિક્ષકોના પ્રયાસો થકી વિદ્યાર્થીને શાળા છોડતા અટકાવામાં આવ્યા હોય તેવું પણ જોવા મળે છે. ગામડાની શાળામાં ગરમીમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને વિદ્યાર્થી શાળાએ આવવાનું બંધ ન કરી દે તેવા હેતુથી બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના તાલુકાની પડવદર પ્રાથમિક શાળામાં ૧.૫ ટનના ૧૦ એસી ફીટ કરવામાં આવ્યા છે. આ એસી સરકારી સ્કૂલમાં લાગ્યા તેના પાછળ એક દાતાની દિલેરી છે. હજુ તો એસીનું ઇનસ્ટોલેશન જ શરૂ હતું અને ચોથા ધોરણના વર્ગમાં ફૂલ હાજરી થઈ ગઈ. શાળામાં ૯ વર્ગ ખંડની સાથે એક આંગણવાડીને પણ એસી આપવામાં આવ્યું છે.
પડવદર પ્રાથમિક શાળામાં આ એસી દાતા બાબુભાઈ મોરડિયાની સહાયથી લાગ્યા છે. મોરડિયા મૂળ પડવદરના જ વતની છે અને હાલ સુરતમાં ખેતી અને વ્યવસાય સાથે જોડાયેલા છે. એસી વિશે માહિતી આપતા શાળાના આચાર્ય કિરણ વાઘાણીએ જણાવ્યું, “ઉનાળાના સમયમાં અસહ્ય ગરમી વચ્ચે અમને વિચાર આવ્યો કે શાળામાં આપણે ધોરણ-૧ના બાળકો માટે એસી લગાડવું જોઈએ. જોકે, અમને શિક્ષક તરીકે તેનો ખર્ચ પોસાય તેમ નહોતો તેથી અમે સેકન્ડમાં એસી ખરીદવાનું વિચાર્યુ હતું. દરમિયાન મારી વાત બાબુભાઈ મોરડિયા સાથે થઈ. તેમણે અગાઉ પણ શાળાને દાન આપ્યું હોવાથી મેં તેમને મિત્રભાવે વિનંતી કરી અને તેમણે એક જ અપીલમાં ૧૦ એસી ફિટ કરાવી આપ્યા”વાઘાણીના જણાવ્યા મુજબ શાળામાં એસી લાગ્યા બાદ તુરંત જ હાજરીમાં વધારો જોવા મળ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




