બ્રિસબેન,તા.૨૭
બ્રિસબેન ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને એક ઈનિંગ અને ૪૦ રનથી હરાવીને બે મેચોની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. બીજી ઈનિંગમાં શ્રીલંકન ટીમ માત્ર ૧૩૯ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે બીજી ઈનિંગમાં ૬, તેને પ્રથમ ઈનિંગમાં ૪ વિકેટ મળી હતી. આ પ્રદર્શન માટે કમિન્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ત્રીજા દિવસની રમતની શરૂઆત શ્રીલંકાના સ્કોર ૧૭/૧થી થઈ હતી. આજ સ્કોર પર ડિનેશ ચાંડીમલની વિકેટ પડી હતી. અહીંથી વિકેટનું પતન શરૂ થયું હતું. એક બાદ એક બેટ્સમેનોએ કમિન્સ સામે આત્મસમર્પણ કરી દીધું હતું. થિરિમાનેએ ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કર્યો પરંતુ તે ૩૨ રન બનાવી આઉટ થઈ ગયો હતો. નિરોશન ડિકવેલા અને સુરંગા લકમલે ૨૪-૨૪ રન બનાવ્યા હતા. આમ પૂરી ટીમ બીજા દાવમાં ૧૩૯ રનમાં ઓલઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાને ૪૦ રને જીત મળી હતી. કમિન્સ સિવાય ઝાય રિચડ્ર્સનને બે તથા લાયનને એક વિકેટ મળી હતી.
મેચના પ્રથમ દિવસે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ૧૪૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. નિરોશન ડિકવેલાએ સૌથી વધુ ૬૪ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ૩૨૩ રન બનાવ્યા અને ૧૭૯ રનની લીડ મેળવી હતી. શ્રીલંકા માટે લકમલે પાંચ વિકેટ ઝડપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


