ડાકોર,તા.૨૨
ડાકોર નગરપાલિકાના ૭ ભાજપ અને ૪ અપક્ષ એમ ૧૧ સભ્યોએ ચૂંટણી ટાણે ભાજપની મુસીબત વધારી દીધી છે. ડાકોર પાલિકામાં ભાજપના શાસન સામે ભાજપના જ સભ્યોએ આંદોલનનું રણશીંગુ ફુકિયું છે. જેને લઈ ડાકોર શહેર અને જિલ્લા ભાજપની ચિંતામાં વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઠાસરા વિધાનસભા મતવિસ્તાર લોકસભા ચૂંટણીમાં ગોધરા સીટમાં આવે છે જ્યારે સંગઠનની દ્રષ્ટિએ ખેડા જિલ્લામાં આવે છે. જેથી આ વિસ્તારના પ્રશ્નોને ખેડા જિલ્લાના સંગઠનમાં કોઈ નોંધપાત્ર સ્થાન મળતું કે લોકસભા સાંસદ પણ સાંભળતા ન હોવાનો રોષ કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યા છે.
આજ કારણે ૧૦ દિવસ અગાઉ આપેલ આંદોલનની ચિમકી છતાં જિલ્લા ભાજપ કે લોકસભા સાંસદ બન્નેમાંથી કોઈએ ડાકોર પાલિકાના ચૂંટાયેલ સભ્યોના વેદના અને ભ્રષ્ટાચારની વિકટ સમસ્યા પ્રત્યે ધ્યાન આપ્યું નથી. જેના કારણે શુક્રવારે ડાકોર નગરપાલિકા ૨૮ સભ્યો પૈકી ૧૧ સભ્યો ડાકોર રણછોડજી મંદિરના મુખ્ય દરવાજા સામે ઉપવાસ આંદોલન છેડયું. આ ઉપવાસી ૧૧ સભ્યો પૈકી ૭ સભ્યો ભાજપના છે તેમની રજુઆત ભાજપનાજ સત્તાધીશો દ્વારા સાંભળવામાં ન આવતા ૧૦ દિવસ પહેલા ઉપવાસ આંદોલનની ચીમકીને આજે પુરી કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



