ડાંગ,તા.૨૯
રવિવારે સાપુતારા સહિત ડાંગના દર્શનીય સ્થળોએ પ્રવાસીઓનું ઘોડાપૂર ઊમટી પડયું હતુ. સાપુતારા-વઘઈ રાજ્ય ધોરીમાર્ગે વાહનોની ૩ કિમી સુધી લાંબી કતાર લાગી હતી. આથી વાહનચાલકોએ રસ્તો કાપતા એક કલાકનો સમય વીતી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
છેલ્લા એક સપ્તાહથી ડાંગ જિલ્લામાં અવિરત પડી રહેલા વરસાદથી વનરાજી ખીલી ઉઠવા સાથે ગિરિમથક સાપુતારામાં આહલાદક વાતાવરણ સર્જાતા થતાં શનિ-રવિની રજામાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડતા ચિક્કાર ટ્રાફિક જામ થયો હતો.
ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર ગાઢ ધુમ્મસ અને વરસાદી હેલી વચ્ચે પ્રવાસીઓની પ્રચંડ ભીડનાં કારણે નૌકાવિહાર, રોપવે રોડ, સનરાઈઝ રોડ, સાંઈબજાર રોડ દિવસભર વાહનોનાં ખડકલાના કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
માલેગામ-સાપુતારાનો ઘાટ માર્ગમાં પણ વાહનોની લાંબી કતારો લાગી જતાં ત્રણ કિ.મી.નો અંતર કાપવા એક કલાકથી વધુ સમય વાહનચાલકોનો વેડફાયો હતો. ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસીયા વાતાવરણનું લુત્ત ઉઠાવવા સુરતીલાલાઓમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. કેમકે સમગ્ર સાપુતારા પરિસરમાં જીજે-૫-સુરત પાસિંગની ગાડીઓનો કાફલો ખડકાય જતા સાપુતારાનો આહલાદક વાતાવરણનો લુત્ફ ઉઠાવતા યાદગાર સંભારણું બાંધ્યું હતું.
આ સાથે જ વઘઈ નજીકનો ગીરાધોધ, માયાદેવી, મહાલ કેમ્પ સાઈટ, શબરીધામ, પંપા સરોવર, ડોન અને અંજનકુંડ જેવા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળો પર પણ પ્રકૃતિ પ્રેમીઓની ભારે ભીડ જાવો મળી હતી. રવિવારે દિવસભર વઘઈને બાદ કરતા આહવા, સાપુતારા અને સુબીર પંથકમાં મેઘરાજાએ હાજરી નોંધાવતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.
રવિવારે વઘઈ કોરોકટ રહેતાં ભેજનાં કારણે ઉકળાટનો સામનો કરવો પડયો હતો. ૬થી ૪ દરમ્યાન આહવામાં ૧૫, સુબીર ૨૫, સાપુતારા ૨૯ મિ.મી. વરસાદ પડયો હતો. જ્યારે વઘઈ કોરોકટ રહ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


