જૂનાગઢ અને કેશોદમાં બે ઇંચ, સિંધણી ડેમ ઓવરફ્લો થતા સતાપર ગામ સંપર્કવિહોણું બન્યું
દ્વારકા,તા.૩૦
ગુજરાતમાંથી આ વર્ષે ચોમાસુ વિદાય લેવાનુ નામ જ નથી લઈ રહ્યુ. નવરાત્રિ દરમ્યાન ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિત સર્જાઈ છે. સોમવારે એટલે કે આજે પૂરા થતાં ૨૪ કલાક દરમ્યાન દેવભૂમી દ્વારકાના ભાણવડમાં સૌથી વધારે ૧૩ ઈંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં ૮ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે જામનગરના જામજોધપુરમાં ૮ ઈંચ વરસાદ પડયો હતો. તો આ તરફ જામકંડોરણામાં નવ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ચારેય ઝોનમાં ૧૦૦ ટકાથી વધારે વરસાદ છે. જ્યારે અલગથી કચ્છ ઝોનમાં ૧૭૨ ટકા વરસાદ ખાબક્યો છે અને હજુ જિલ્લામાં વરસાદી માહોલ છે. ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતમાં સાબેલાધાર વરસાદ પડયો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ભાણવડમાં નોંધાયો છે. તે સાથે જ રાજ્યમાં આ વર્ષે સરેરાશ વરસાદ ૧૩૬.૬૬ ટકા થયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સરેરાશ ૧૨૯ ટકા, કચ્છમાં ૧૭૨.૪૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૫૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૨૪.૩૯ ટકા અને સૌરાષ્ટ્રમાં ૧૪૪.૯૯ ટકા વરસાદ નોંધાયો છે.
પોરબંદરમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ૨ ઇંચ નોંધાયો છે. વીજળીના ભયાનક કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાણાવાવમાં ૪ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાના યાત્રાધામ હર્ષદમાં ભારે વરસાદથી હર્ષદ માતાજીના મંદિરમાં ૪થી ૫ ફૂટ સુધી પાણી ભરાયા છે. હાલ પાણી ઓસરી રહ્યા હોવાથી ૨થી ૩ ફૂટ પાણી ભરાયેલા છે. જામનગર જિલ્લાને બાનમાં લીધો હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં ૪થી ૧૪ ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ ખેડૂતોના પાકને નુકસાન થતા પડયા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
કલ્યાણપુર તાલુકાના સાતાપર ગામ પાસે આવેલ સિંધણી ડેમ ઓવરફ્લો થતા અનેક સ્થળોએ પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા હર્ષદ, ગાંધવી, દેવળીયા સહિતના ગામોને સાવચેત કરાયા છે. એક ફૂટ ઓવરફ્લો થતા સતાપર ગામ સંપર્કવિહોણું બન્યું છે. ભારે વરસાદથી ગામડાઓ ટાપુમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યાત્રાધામ હર્ષદમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસવાથી મોટુ નુકસાન પહોંચ્યું છે. ભાણવડ તાલુકાના સાઈદેવળીયા ગામ પાસે આવેલા વેરાળી નં. ૨ ડેમ ઓવરફ્લો થતા સાઈદેવળીયા ગામ તથા ભાણવડ ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.
જૂનાગઢ અને કેશોદમાં રાતથી સવાર સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. દંધુસર ગામની ઉબેણ નદીમાં એક રિક્ષા અને બાઇક તણાતા ચાર વ્યક્તિ ફસાયા હતા. આથી ફાયરબ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળે ટીમ પહોંચી હતી. ફારયબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન કરી ચારેયને બચાવી લીધા હતા. કુતિયાણાથી પસવારી જતા વાડી વિસ્તારમાં સાત લોકો ફસાયા હતા. જેને એનડીઆરએફની ટીમે બચાવી સલામત સ્થળે ખસેડયા હતા. તાલાલામાં વધુ ત્રણ ઇંચ, કોડીનારમાં ૨ ઇંચ અને સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, અતિવૃષ્ટી તરફ આગળ વધી રહેલા ચોમાસાને પગલે ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસ અને મગફળીના ઉભા પાકને મોટા પાયે નુકસાન પહોંચે તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



