સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં કરા સાથે માવઠું, ખેડૂોતના ઉભા પાકને નુકસાન
ગાંધીનગર,તા.૧૩
રાજ્યમાં કમોસમી માવઠાંની સ્થિતિને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાનમાં એકાએક પલટો આવી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વહેલી પરોઢે ધુમ્મસ સાથેની ચાદર છવાયેલી જોવા મળી હતી. બનાસકાંઠામાં માર્ગો પર ગાઢ ધુમ્મસ રહેતા વિઝિબિલિટિ બિલકુલ ઓછી રહી હતી.
સવારે ગાંધીનગરથી અડાલજ ખાતે પણ ભારે ધુમ્મસ આચ્છાદિત વાતાવરણ રહેતા ૧૦ ફિટ સુધીની જ વિઝિબિલિટિ હતી. જેને પગલે વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખવા છતા પણ વધુ અંતર સુધી જોવામાં મુશ્કેલી પડી રહી હતી. દરમિયાન ગુજરાતની સરહદ નજીકના રાજ્ય રાજસ્થાનમાં કરા સાથેનો ધોધમાર વરસાદ વરસ્યો હતો અને સરહદી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરરૂપે સૌરાષ્ટ્ર- કચ્છમાં ફરી કમોસમી વરસાદ ખાબકી જતા ઘણા સ્થળે અષાઢ જેવો માહોલ છવાઈ ગયો હતો. ગોંડલ પંથકમાં તો મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. રાજકોટ અને જામનગર જિલ્લામાં કેટલાંક સ્થળે, જયારે કચ્છમાં તો વ્યાપકપણે માવઠાં થતાં કિસાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ માવઠાથી રવિ સીઝનના ચણા, જીરું અને ધાણા તેમજ ખરીફ પાક પૈકી એરંડા અને કપાસને નુકસાન થવા પામ્યું છે.
કચ્છમાં સાર્વત્રિક કમોસમી વરસાદ ચિંતા ફેલાવી ગયો છે. અબડાસા, નલિયા, લખપત, અને ભુજમાં ઝાપટાં વરસ્યા હતા, તો માંડવીમાં અડધો ઇંચ, રાપરમાં ૨ મિમિ, માંડવીના કોડાઇ, મસ્કા, આડેસર સહીત વિસ્તારો અને ખાવડા પંથકમાં પણ ઝાપટા પડતા વાતાવરણ અષાઢ જેવું બની ગયું હતું. વાગડ વિસ્તારમાં તો માવઠાને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી વ્યાપક નુકસાન થયું છે. ગવરીપર, બુઢા- ખેંગારપર, ખડીર સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. કચ્છમાં આ ચોમાસે લીલા દુકાળ જેવી સ્થિતિ બાદ હવે આ માવઠાને લીધે જીરુના વાવેતરને નુકસાન થઇ રહ્યું છે.
રાજકોટના ગોંડલ સહિત આસપાસના વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગોંડલ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો. પીપળીયા, ભરૂડી સહીતના ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો, જેનાથી રવિ પાકને ભારે નુકસાન થવા ભીતિ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



