ગાંધીનગર,તા.૧૦
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમના વતન ગુજરાત આવી ગયા છે. ૧૧ જાન્યુઆરીએ કેટલાક લોકાર્પણ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. ગુજરાતમાં સરકાર સામે એક બાદ એક ખુલી રહેલા મોરચા તેમજ સમસ્યાઓની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.
રાજનૈતિક વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, ગુજરાતના પ્રદેશ માળખામાં ધરમૂળ ફેરફાર આવવના એંધાણ છે. છેલ્લા કેટલાક વખતથી ગુજરાતના મંત્રીઓ પણ તેમના નિવેદનમાં વારંવાર અમુક પ્રકારના સંકેતો આપતા હોવાની ચર્ચાઓનું બજાર પણ ગરમ છે. ત્યારે અમિત શાહની ગુજરાત મુલાકાત એ અમદાવાદના ભાજપ માળખાના આવનારા ફેરફારનું કારણ હોવાની અટકળો લગાવાઈ રહી છે.
ગૃહપ્રધાનના કાર્યક્રમો પર નજર કરીએ તો તેઓ રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ૧૧ જાન્યુઆરીએ સાયબર ક્રાઈમની ગુન્હાખોરી રોકવાની એપ્સના લોકોર્પણમાં તેઓ હાજરી આપશે. બપોરે ૧૨ કલાકે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા ૧૧ રેલવે સ્ટેશનની સુવિધાની સમીક્ષા ગૃહપ્રધાન કરશે.
આ ઉપરાંત રેલવેના ધ્વજનું લોકાર્પણ કરશે. ૧ કલાકે મુખ્યપ્રધાને બનાવેલા સીએમ ડેસ્કબોર્ડની મુલાકાત લેશે અને સાથે જ રાજ્યના વિવિધ વિભાગોનું મોનિટરીંગ કરતા ડેસ્કબોર્ડની મુલાકાત લેશે. ૩ કલાકે જીટીયુના પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને સાંજે ૬.૦૦ કલાકે ઘાટલોડિયામાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૨ જાન્યુઆરીના રોજ દિલ્હી જવા માટે રવાના થશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સરકારી કાર્યક્રમોની સાથે પ્રદેશ ભાજપના સંગઠનનો કોયડો પણ ઉકેલશે. જો કે મહત્વની વાત તો એ છે કે, ગુજરાત ભાજપ, શહેર પ્રમુખ કે જિલ્લા પ્રમુખ નક્કી કરી શકી નથી. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ તેમના બપોરના સમય દરમિયાન મુખ્યપ્રધાન નિવાસસ્થાન પર પ્રદેશના નેતાઓ સાથે આ કામગીરી બાબતે મનોમંથન કરશે.
ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક હોટલનું પણ ઉદ્ધાટન કરશે. ઉપરાંત નારણપુરામાં સીએએના સમર્થનમાં ભાજપનો કાર્યક્રમ છે. જેમાં ૫ લાખથી વધુ લોકોના હસ્તાક્ષર વાળો પત્ર અર્પણ કરાશે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ સોસાયટીઓના આગેવાનો સાથે ભોજન પણ કરશે. આ દરમિયાન કૌશિક પટેલ, આઈ.કે જાડેજા સહિતના આગેવાનો હાજર રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


