ગાંધીનગર,તા.૪
ગુજરાતના કેવડિયામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે જાણીતી છે તેને યુએસ સ્થિત એક સંસ્થાએ ધ સ્ટ્રક્ચરલ એવોર્ડ ૨૦૧૯ માટે શોર્ટલિસ્ટ કર્યું છે. યુએસ સ્થિત ઈન્સ્ટિટયુશન ઓફ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ (IStructE)દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮૨ મીટર ઊંચાઈ ધરાવતા આ સ્ટેચ્યુનું ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના ઉદ્ધાટન કર્યું હતું. સંસ્થાએ વિશ્વના ૪૯ બાંધકામોને શોર્ટલિસ્ટ કર્યા છે તે પૈકી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ એક છે. ૧૫ નવેમ્બરના લંડન ખાતે એવોર્ડ સમારંભમાં વિજેતાની જાહેરાત કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઉપરાંત જ અન્ય બાંધકામો એવોર્ડ માટે પસંદ કરાયા છે તેમાં ચીનના હેંગઝોઉ ખાતે સ્ટેડિયમ ઉપરની છતમાં રોટેટિંગ પેટલ્સ, લંડનની પંચતારક હોટેલની નીચે તૈયાર કરાયેલું ૨૨ મીટર ઊંડું ભોંયરું તેમજ સાનફ્રાન્સિસ્કોની ગગનચૂંબી ઈમારતોનો સમાવેશ થાય છે.
આ એવોર્ડ માટેની પેનલના પ્રમુખ જજ અને પ્રોફેસર ટીમ ઈબેલે જણાવ્યું હતું કે, ‘અમારા વ્યવસાયે વધુ એક વખત અસાધારણ નવીનતાનું પ્રદર્શન કર્યું છે. ૨૦૧૯ માટે શોર્ટ લિસ્ટ થયેલા બાંધકામો રચનાત્મકતા અને ઈજનેરી કુશળતાના શ્રેષ્ઠ ઉદાહરણો છે.’
‘આ એવોર્ડ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સની કુશળતાના નમૂના લોકો સમક્ષ રજૂ કરવાનો છે,’ તેમ સંસ્થાના ચીફ એક્ઝિક્યુટીવ માર્ટિન પોવેલે જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



