ગાંધીનગર,તા.૮
રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ધરણા કરીને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. સુરત ખાતે પરેશ ધાનાણી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. અમદાવાદમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના કાર્યકરો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલડી પહોંચે તે પહેલા જ એબીવીપીના વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. જેમાં એબીવીપીના કાર્યકરો લાકડીઓ, પાઈપો લઈ એનએસયુઆઈના કાર્યકરો પર તૂટી પડતા ઘર્ષણ થયું હતું.
અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વીર નર્મદના પૂતળા પાસે ધરણાનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો. ધરણામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા જયરાજસિંહ પરમાર તેમજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકતો જોડાયા હતા. જે ઘટના બની તે હિંસા હતી સાથે સાથે પોલીસ દ્વારા પણ એનએસયુઆઈનો સાથ આપ્યો હતો.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હુમલો સરકારના સમર્થનથી રચાયેલું પૂર્વયોજિત કાવતરું હતું. દિલ્હીની પેટર્નથી કાર્યકરોને મારવામાં આવ્યા. ઘટના સ્થળે પોલીસ હાજર હતી તો આવા હથિયારો ક્યાંથી આવ્યા તેની તપાસ થાય. રાજ્યભરમાં દેખાવો કરીશું.
રાજકોટના ત્રિકોણબાગ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન તેમજ એનએસયુઆઇ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો સાથે જ એબીવીપી વિરુધ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી તો સાથે જ એન.એસ.યુ.આઇ.ના કાર્યકર્તાઓ પર જે હિચકારો હુમલો થયો છે તેની તટસ્થ તપાસની માંગ પણ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




