વિદ્યા દેવીના પતિ ૧૯૯૦થી સતત ૨૫ વર્ષ સુધી સરપંચ પદ સંભાળી ચૂક્યા છે
જયપુર,તા.૧૮
રાજસ્થાનના સીકર જિલ્લામાં નીમકાથાની પુરાણાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૯૭ વર્ષીય મહિલાએ સરપંચ પદ પર વિજય મેળવી લીધો છે. નીમકાથાનાના અધિકારી સાધૂરામ જાટે જણાવ્યું કે પંચાયતની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં પુરાણાવાસ ગ્રામ પંચાયતમાં સરપંચના પદ પર વિજય નોંધાવનારા વિદ્યા દેવીએ પોતાની પ્રતિસ્પર્ધિ આરતી મીણાને ૨૦૭ મતના અંતરથી હરાવી લીધી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરપંચના પદ પર ચૂંટાયેલા વિદ્યા દેવીને ૮૪૩ મત મળ્યા જ્યારે તેમના પ્રતિસ્પર્ધિ આરતી મીણાને ૬૩૬ મત મળ્યા હતા. ગ્રામ પંચાયતમાં કુલ ૪,૨૦૦ મતદાતાઓમાંથી ૨,૮૫૬ મતદાતાઓએ મતદાન કર્યું હતું. ગ્રામ પંચાયતમાં કુલ ૧૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. વિદ્યા દેવીના પતિએ પણ ૧૯૯૦થી સતત ૨૫ વર્ષ સુધી સરપંચ પદ સંભાળી ચૂક્યા છે.
નોંધનીય છે કે પંચાયતના પહેલા તબક્કાની ચૂંટણીમાં ૮૭ પંચાયત સમિતિઓની ૨,૭૨૬ ગ્રામ પંચાયતોના ૨૬,૮૦૦ વોર્ડ માટે શુક્રવારના રોજ મતદાન પૂર્ણ થયું હતું. સરપંચ પદ માટે શુક્રવારના રોજ જ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. આ ૮૭ પંચાયત સમિતિ વિસ્તારમાં કુલ ૯૩,૨૦,૬૮૪ મતદાતાઓ છે. સરપંચ પદ માટે ૧૭,૨૪૨ અને પંચના પદ માટે ૪૨,૭૦૪ ઉમેદવારો મેદાનમાં છે. આ દરમિયાન રાજ્યભરમાં ૩૬ સરપંચ અને ૧૧,૦૩૫ પંચ બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


