આપો ટુકડો તો હરિ ઢૂંકડો:* *માનવસેવા એ જ પ્રભુસેવા પૂ.જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિએ ભાવવંદના*

0
46

*“જલારામ તારી ઝોળીનો અંત ના આવ્યો,ભૂખ્યાને અન્ન દેનાર તારો જોટો ન જડ્યો!”*

માનવતાના અમીરાત અને પરોપકાર ની જીવંત મૂર્તિ.ભારતની સંત પરંપરા માત્ર આધ્યાત્મિક જ્ઞાન કે ધાર્મિક વિધિઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે માનવતાને જીવંત રાખતી આપણી સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે. આ પવિત્ર પરંપરામાં સૌરાષ્ટ્રના વીરપુરની ધરા પર અવતરેલા અમર સંત પૂ.જલારામ બાપાનું નામ અખંડ શ્રદ્ધા,ત્યાગ અને પરોપકારના શિખર સમાન સદાય ગુંજતું રહેશે.”સંત ના હોત સંસારમાં, તો જલી જાત બ્રહ્માંડ” અને “આપો ટુકડો તો હરિ ઢૂંકડો” એવાં મહાન વિશ્વસૂત્રો દ્વારા અન્ન અને રોટીનું સાચું મહત્વ સમજાવ નાર રોટી સંત બાપાનું જીવન આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં દીવો પ્રગટાવવામાં નથી,પરંતુ કોઈના અંધકારમય જીવનમાં આશાનો દીવો પ્રગટાવવામાં છે.પૂ.જલારામ બાપા ની ૨૨૭મી જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવન અને સંદેશનું સ્મરણ કરવું એ માત્ર એક શ્રદ્ધાંજલિ નથી, પરંતુ આપણા જીવનને સેવાના માર્ગે વાળવાનો એક દ્રઢ સંકલ્પ છે. સંસ્કારોની ભૂમિ અને ભક્તિથી સેવાનો આરંભ.સંત જલારામ બાપાનો જન્મ ઈ.સ. ૧૭૯૯માં (વિક્રમ સંવત ૧૮૫૬) કારતક સુદ સાતમના પવિત્ર દિવસે વીરપુર ગામે પ્રધાનજી ઠક્કરના ગૃહે અને રાજબાઈ માતાની કુખે થયો હતો. બાળપણથી જ તેમના હૃદયમાં ભગવાન શ્રીરામ પ્રત્યે અખૂટ આસ્થા અને સાધુ-સંતો પ્રત્યે અપાર આદરભાવ હતો.માતા રાજ બાઈના દિવ્ય સંસ્કારોએ તેમનામાં કરુણા,ત્યાગ અને પરોપકારના બીજ રોપ્યાં હતાં.માત્ર ૧૬ વર્ષની ઉંમરે વીરબાઈમાઁ સાથે તેમના લગ્ન થયા.વીરબાઈમાઁ પણ બાપાના આ પવિત્ર સેવાકાર્યમાં સંપૂર્ણ સહ ભાગી બનીને તેમના આધ્યાત્મિક માર્ગના મજબૂત સહાધ્યાયી બન્યા. ગુરુ ભોજલરામ ભગત પાસેથી રામનામનો મંત્ર અને માર્ગદર્શન મેળવ્યા બાદ બાપાએ પોતાના જીવનનું એકમાત્ર પરમ ધ્યેય નક્કી કર્યું “માનવસેવા એ જ પ્રભુસેવા.”
અડગ શ્રદ્ધા અને દિવ્ય પ્રસંગો: ચમત્કારથી પરે સેવાની તાકાત
બાપાના જીવનમાં એવા અનેક પ્રેરણાદાયી પ્રસંગો આવે છે, જે તેમની ઈશ્વરીય શક્તિ અને માનવ પ્રેમની સાક્ષી પૂરે છે:
સાધુના વેશમાં ભગવાનની પરીક્ષા: એકવાર એક વૃદ્ધ સાધુ બાપા પાસે આવ્યા અને કહ્યું કે મારે તમારી પત્ની વીરબાઈ જોઈએ છે!બાપાએ સંયમ અને અડગ શ્રદ્ધાથી વીર બાઈ માને સોંપી દીધા.જ્યારે બાપા એ વીરબાઈ માને સાધુ સાથે વિદાય આપ્યા,ત્યારે સાધુ અદ્રશ્ય થઈગયા અને આકાશવાણી થઈ કે,”જલા! હું તો તમારી પરીક્ષા લેવા આવ્યો હતો.” તે સાધુ સ્વયં ભગવાન હતા અને તેમણે બાપાને ઝોળી અને દંડો ભેટ આપ્યા,જે આજે પણ વીરપુર માં અખંડ મોજૂદ છે.
કચ્છના દુષ્કાળ સમયની અવિરત સેવા:ઇતિહાસમાં જ્યારે પણ આપત્તિ આવી છે,સંતો હંમેશાં આગળ રહ્યા છે. કચ્છમાં જ્યારે ભયંકર દુષ્કાળ પડ્યો,ત્યારે બાપા એ પોતાના અન્નક્ષેત્ર દ્વારા હજારો ભૂખ્યા લોકોને અન્ન પૂરું પાડ્યું હતું. તેમની ઝોળી ક્યારેય ખાલી નહોતી થઈ, કારણ કે તે સ્વાર્થ વગરની નિઃસ્વાર્થ સેવા હતી.“ભૂખ્યાને અન્ન ને તરસ્યાને પાણી જલારામ બાપા ની સેવા છે જગમાં જાણી!”
અખંડ અન્નક્ષેત્ર:ભૂખનો કોઈ ધર્મ નથી.સંત જલારામ બાપાની સૌથી મહાન અને વિશિષ્ટ ઓળખ એટલે વીરપુરનું અખંડ અન્નક્ષેત્ર. ઈ.સ. ૧૮૨૦માં તેમણે શરૂ કરેલું આ સદાવ્રત માત્ર ભોજન આપવાની વ્યવસ્થા નહોતું,પણ માનવતાનો એક અદભૂત યજ્ઞ હતો.
બાપાના અન્નક્ષેત્રમાં ક્યારેય કોઈની જાતિ,ધર્મ,વર્ગ કે સામાજિક સ્થિતિ પૂછવામાં આવતી નથી.આજે જ્યારે સમાજમાં ભેદભાવની દીવાલો ઊભી થઈ રહી છે,ત્યારે બાપાનું આ અન્નક્ષેત્ર આપણને મહાન સંદેશ આપે છે કે ભૂખનો કોઈ ધર્મ નથી હોતો અને માનવતાની કોઈ સીમા નથી હોતી. વીરપુરમાં આજે પણ આ પરંપરા અવિરત ચાલે છે, જે લાખો ભક્તો માટે માત્ર પ્રસાદ નથી પરંતુ અખંડ વિશ્વાસ અને સમર્પણની જીવંત અનુભૂતિ છે.
દાન નહીં,પણ નિર્મળ હૃદયનો મહિમા જલારામ બાપાનો દાન અંગે નો દષ્ટિકોણ ખૂબ જ વિશિષ્ટ હતો. તેઓ પ્રચાર કે સંગ્રહ કરતાં મૂક સેવામાં માનતા હતા. આજના આધુનિક સમયમાં પણ વીરપુરના જલારામ મંદિરમાં ઈ.સ. ૨૦૦૦થી દાન સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે,જે સમગ્ર વિશ્વ માં એક અનોખી મિસાલ છે.
આ પરંપરા આપણને શીખવે છે કે શ્રદ્ધાનું મૂલ્ય નાણાં કે સંપત્તિની રકમથી નથી અંકાતું,પરંતુ હૃદયની પવિત્રતાથી અંકાય છે.સાચી ભક્તિ એ નથી કે આપણે ઈશ્વરને ભૌતિક રીતે કેટલું અર્પણ કરીએ છીએ, પરંતુ ભગવાને આપેલી શક્તિ, સમય અને સંપત્તિથી આપણે કેટલા દુઃખી અને પીડિત લોકોના આંસુ લૂછી શકીએ છીએ.આજના આધુનિક યુગ માટે પ્રેરણાદાયી સંદેશ
આજના દોડધામ ભર્યા અને ભૌતિકવાદી યુગમાં માણસ પાસે સુખ-સગવડો અને સાધનો વધ્યા છે, પરંતુ મનની શાંતિ અને સંતોષ ઘટ્યા છે. સ્પર્ધા અને સ્વાર્થની આ દોડમાં જલારામ બાપાનું જીવન આપણને થોભીને આત્મચિંતન કરવાની પ્રેરણા આપે છે.આ જન્મ જયંતિ પર આપણે સૌ નીચે મુજબ ના સંકલ્પો લઈ શકીએ:કોઈ ભૂખ્યા કે જરૂરિયાતમંદને મદદ કરવાની તક મળે તો તેને ક્યારેય જતી ન કરીએ.
મદદ કરતી વખતે સામેવાળી વ્યક્તિના સ્વાભિમાનને ક્યારેય ઠેસ ન પહોંચવા દઈએ.ધર્મના નામે ભેદ ભાવ ભૂલીને માત્ર માનવતાના નામે એકતા સ્થાપિત કરીએ.નવીપેઢી અને બાળકોને માત્ર ભૌતિક સફળતા જ નહીં,પરંતુ કરુણા, સંસ્કાર અને સેવાભાવનો ઉત્તમ વારસો આપીએ.ભગવાન પ્રત્યેની આપણી આસ્થાને નિઃસ્વાર્થ કર્મ અને સેવામાં રૂપાંતરિત કરીએ.
સાચી શ્રદ્ધાંજલિ સંત જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ આપણને યાદ અપાવે છેકે મહાનતા પદ,પ્રતિષ્ઠા કે સંપત્તિમાં નથી,પરંતુ બીજાના દુઃખ ને પોતાનું સમજીને તેને દૂર કરવામાં છે.ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ માત્ર મંદિરોમાંથી નથી પસાર થતો; તે ભૂખ્યાના અન્નમાં, પીડિતના આશ્વાસનમાં અને જરૂરિયાતમંદની સેવામાં પણ રહેલો છે.
આવો,જલારામ બાપાની આ પવિત્ર જન્મજયંતિએ માત્ર દર્શનનો આનંદ જ નહીં,પરંતુ મૂક સેવાનો દ્રઢ સંકલ્પ લઈએ. આપણા હાથ કોઈનો સહારો બને, આપણું હૃદય કરુણાથી ભરાય અને આપણું જીવન માનવતાની સુગંધથી મહેકી ઊઠે,એ જ પૂજ્ય બાપાના ચરણોમાં આપણી સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
*યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ થરા તા ઓગડ જિ બનાસકાંઠા 9428678699*

જોટો ન જડ્યો!”*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY