જામનગર,તા.૧૧
જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી નયપાલસિંહ કરણસિંહ જાડેજા તેમજ ભરતસિંહ ઝાલા બંને દ્વારા રાત્રી દરમ્યાન જામનગર-ધુવાવ રોડ પર રેતી ચોરી અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન જોડિયાથી રેતી ભરીને આવી રહેલો રેતી ભરેલો ટ્રક જોવા મળતા ટ્રકને રોકાયો હતો, અને તેમાં ભરેલી રેતી અંગેના કાગળો માંગ્યા હતા.
પરંતુ રેતીની કોઈપણ પ્રકારની રોયલ્ટી ભરેલી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રેતી ભરેલા ટ્રક ને નજીકમાં જ આવેલા એક વેબ્રીજમાં કાંટો કરાવવા માટે લઈ ગયા હતા. અને કાંટો કરાવ્યા પછી ફરીથી તલાટી કમ મંત્રી ટ્રકમાં બેસી ગયા હતા અને ટ્રકને ધુવાવ ગામથી જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.
જે દરમિયાન ટ્રક ડ્રાઈવરે અન્ય ને ફોન કરી દેતા કારમાં એક શખ્સ ધસી આવ્યો હતો અને તેણે પોતાની કાર ઉભી રાખી દઈ તલાટી મંત્રી નયપાલસિંહ ઉપર બેટ વડે હુમલો કરી દીધો હતો અને અન્ય તલાટી ને ગાળો ભાંડી હતી. ત્યાર પછી બળજબરી કરી ધાકધમકી આપી ટ્રક છોડાવી લઇ કાર અને ટ્રક મા બંને શખ્સો ભાગી છૂટયા હતા.
આ સમગ્ર ઘટના પછી તલાટી કમ મંત્રી નયપાલસિંહ કરણસિંહ જાડેજા તરત જ મોડી રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી ગયા હતા અને ટ્રક અને કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ગુનો નોંધી બંને વાહનોના નંબરોના આધારે શોધખોળ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


