જોહનિસબર્ગ,તા.૧૬
ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેમ સ્મિથ સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડના ડિરેકટરપદે તાજેતરમાં નિયુક્ત થયા બાદ સાઉથ આફ્રિકન ટીમના હેડ-કોચ તરીકે નીમવામાં આવેલા ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન માર્ક બાઉચરે એક જાણીતી વેબસાઇટને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે ‘આવતા વર્ષે રમાનારા ટી-ટ્વેન્ટીના વર્લ્ડ કપ માટે સાઉથ આફ્રિકાની ટીમને કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓની જરૂર છે અને એ બાબત ધ્યાનમાં રાખીને હું મારા ભૂતપૂર્વ સાથી ખેલાડી એ. બી. ડી’વિલિયર્સને નિવૃત્તિ પાછી ખેંચી લઈને ફરી મેદાન પર ઊતરવા સમજાવીશ. છેલ્લા થોડા સમય દરમિયાન રિટાયર થયેલા બીજા અમુક પ્લેયરોને પણ મનાવવાનો પ્રયત્ન કરીશ.’
ડી’વિલિયર્સે ગયા વર્ષે માર્ચમાં રિટાયરમેન્ટ લીધું હતું. જોકે, તે વિશ્ર્વભરની ફ્રૅન્ચાઇઝી આધારિત ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટોમાં રમે છે. બાઉચરને ૨૦૨૩ના વન-ડેના વર્લ્ડ કપ સુધી હેડ-કોચ બનાવવામાં આવ્યો છે અને ટી-ટ્વેન્ટી વિશ્ર્વકપ તેની સૌથી મોટી સ્પર્ધામાંની એક છે જે ૧૦ મહિના દૂર છે.
બાઉચરે મુલાકાતમાં કહ્યું હતું કે ‘વર્લ્ડ કપ જેવી સ્પર્ધામાં રમીએ તો એમાં શ્રેષ્ઠ પ્લેયરો ટીમમાં હોવા જરૂરી છે. ડી’વિલિયર્સ એવો એક ખેલાડી છે. હું તેને પૂછીશ કે તેને ફરી રમવામાં રસ છે ખરો? જો મિડિયા સાથે કે ટીમના કોઈ સાથી સાથે વાદવિવાદના બે મુદ્દા હોય તો એ ઉકેલી શકાય. સાઉથ આફ્રિકાની ક્રિકેટ માટે જો કંઈ સારું થતું હોય તો એ કરવામાં ખોટું શું છે?’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


