જુનાગઢ,તા.૮
જૂનાગઢના માખીયાળા ગામના દિપક દિનેશભાઇ મકવાણા ઉ.૨૨, તેના પિતા દિનેશભાઇ રામજીભાઈ મકવાણા અને દીપકના સસરા ઈશ્વરભાઈ હીરાભાઈ વાઘેલા ત્રણેય ત્રિપલ સવારીમાં સ્કૂટર ઉપર જૂનાગઢથી પોતાના ગામ તરફ્ જતા હતા ત્યારે ઝાલણસર ગામ પાસેના પુલ ઉપર સામેથી અચાનક આવી ગયેલી ઇકો કાર નંબર જીજે ૧૧ બીએચ ૩૦૦૮ ના ચાલકે ધડાકાભેર સ્કૂટરને ઠોકર મારતા સ્કૂટર પુલ નીચે ખાબક્યું હતું, અને ઇકો કાર પણ પલ્ટી મારી ગયી હતી.
અકસ્માતના પગલે આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. આ અંગે તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવીને તપાસ કરતા સ્કૂટર પરથી નીચે પટકાયેલા ત્રણેય વ્યક્તિના મોત થયા હતા અને અકસ્માત સર્જનાર ઇકો કારના ચાલક નાસી ગયા હતા. અકસ્માતના પગલે બને વાહનોનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માત અંગે માખીયાળા ગામના ખોડાભાઈ મકવાણાએ ત્રેણય મરનાર તેમના ગામના હોવાની ઓળખ આપી હતી. આ અંગે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની બીજી એક ઘટનામાં સુરત શહેરના નવજીવન સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘાયલો પૈકી એક અમેરિકાથી આવેલા કિરીટ ગણત્રાની હાલત ગંભીર છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર અમેરિકાથી આવેલા કિરીટ ગણત્રા વેસુમાં રહેતા તેમના મિત્રને ત્યાં આવ્યાં હતા અને વહેલી સવારે અમદાવાદ જવા નીકળ્યાં હતા. દરમ્યાન ટ્રકે કારને અડફેટે લેતા કાર નવજીવન સર્કલ સાથે ધડાકાભેર અથડાઇ હતી અને સર્કલની દિવાલ તોડી અંદર ઘૂસી ગઇ હતી. અકસ્મતાને પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢયા હતા. ત્યાં હાજર લોકોએ ૧૦૮ને બોલાવી ઘાયલોને હોસ્પિટલ ખસેડયાં હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



