કેવડિયા,તા.૨૮
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાફ સફાઈ માટે આધુનિક ક્રેન લગાવવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓની સુરક્ષા માટે સરદાર પટેલની પ્રતિમાના પગના ભાગે બે ગેટ લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાને અનાવરણને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે પ્રતિમાની સાફ સફાઈ કરવા માટે મોટી ક્રેન લગાવીને કામદારોને કામે લગાવવામાં આવ્યા છે. સ્ટેચ્યૂના બહારના ભાગની સાફ સફાઈ કરવી ઘણી મુશ્કેલ હોવાથી આ માટે ખાસ ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતાં કલર વેરિએશન પણ જોવા મળ્યું છે. આથી મેઇન્ટેન્સ કામ હાથ ધરવામાં આવ્યું છે. આ માટે અંદર અને બહારના ભાગે સફાઈ માટે અમુક ચોક્કસ જગ્યાએથી ૧૧ પ્લેટો ખોલવામાં આવશે.
અધિકારીના જણાવ્યા પ્રમાણે સ્ટેચ્યૂ ખાતે બ્રોન્ઝ પ્લેટો એવી રીતે લગાવવામાં આવી છે કે જેનાથી તેને જરૂર પડયે ખોલી શકાય. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પ્રતિમાના છાતના ભાગે લોખંડને કાપીને ત્યાં ૧૧ બારીઓ મૂકવામાં આવશે. જોકે, બાદમાં ખુલાસો કરાયો હતો કે લોખંડને કાપવાને પદલે ૧૧ જગ્યાએથી પ્લેટો ખોલીને સાફ સફાઈ કરવામાં આવશે.
આ ઉપરાંત હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટનાં બંને પગમાં બોન્ઝ પ્લેટોને કાપીને બે ગેટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. આ બંને ગેટ ૨.૧ મીટર ઊંચા અને ૧.૮ મીટર પહોળા હશે. આ બંનેમાંથી એક ગેટથી લિફ્ટમાં જઈ શકાશે જ્યારે બીજા ગેટથી સ્ટેચ્યૂમાં ઉપર જવા માટે બનાવેલા પગથીયા પર જઈ શકાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


