ખેડા જિલ્લામાં નડિયાદ સહિત તાલુકા કક્ષાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજયામાં પ્રતિક ઉપવાસ સભા સરઘસ પર પ્રતિબંધ

0
97

નડિયાદ-શુક્રવાર-હાલ ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામેલ છે. ખેડા જિલ્‍લામા પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્‍યાન ખેંચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્‍લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા દાંડી યાત્રા સાથે સંકળાયેલ મુખ્‍ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભૂખ હડતાલનું ઓચિંતું અને મનસ્‍વી આયોજન કરી આ કચેરીમાં તેમજ જાહેર માર્ગ પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્‍ય જનતા માટે દુવિધા સર્જાય છે. જેથી ખેડા જિલ્‍લામાં જાહેર સુલેહ શાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ રમેશ મેરજાએ કાયદાની લાગુ પડતી જોગવાઇઓને અનુલક્ષીને તા.૨૨/૦૬/૨૦૧૯ સુધી કલેકટર અને જિલ્‍લા મેજીસ્‍ટ્રેટની કચેરી, નડિયાદ તથા ખેડા જિલ્‍લા પંચાયત અને સરદાર ભવન ખાતે આવેલ સરકારની વિવિધ વિભાગની કચેરી, પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદની કચેરી તથા તાલુકા ખાતે આવેલ સરકારની વિવિધ વિભાગની કચેરીઓ, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, પોલીસ સ્‍ટેશનના કમ્પાઉન્‍ડ તથા અન્‍ય તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્‍ડની બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્‍તારમાં પરવાનગી વિના પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા/ભુખ હડતાલ ઉપર બેસવા કે સભા/સરઘસ જેવા કૃત્‍યો કરવા સામે પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ હુકમ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરઘસને લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY