કચ્છ,તા.૫
એસઆઈટીએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસ મામલે ગાંધીધામમાં પ્રસાર માધ્યમો સાથે સંકળાયેલા મીઠુ ચૌહાણ નામના યુવાનને શંકાના આધારે ઉઠાવી લીધો છે. આ યુવાનની મુખ્ય આરોપી સાથે સોશિયલ મીડિયા દ્વારા સતત વાતચીત ચાલતી હતી અને બનાવના દિવસે પણ વાત થયાની આશંકા છે. આ મીડિયા કર્મી હત્યા કેસના મુખ્ય સુત્રધાર ગણાતા છબીલ પટેલ સાથે સતત ટેલિફોનિક સંપર્ક ચાલુ હોવાની શંકાના આધારે આ યુવાન સીટના રડારમાં આવ્યો હતો. પૂર્વ કચ્છની પોલીસે આ મામલે તપાસ કરી ખુલાસો કર્યો હતો કે, આ યુવાનનું અપહરણ કરાયું નથી, પણ સીટ પૂછપરછ માટે લઈ ગઈ છે.
આ મામલે આદિપુર પીએસઆઈ વી. આર. ડાંગરે જણાવ્યું હતું કે, મીઠુ ચૌહાણ નામના સ્થાનિક મીડિયા કર્મીના પરિવારજનોએ એની અપહરણની આશંકા દર્શાવતા શોધખોળ કરી હતી. તેવામાં તેને એસઆઈટીની ટીમ તપાસ માટે લઈ ગયાનું જાણવા મળ્યું હતું.
ગાંધીધામમાં પ્રસાર માધ્યમો સાથે સંકળાયેલા મીઠુ ચૌહાણનું રવિવારે અપહરણ થયાની વાત વહેતી થઈ હતી. જેને પગલે સ્થાનિક પોલીસ, મીડિયા જગતમાં મોડી સાંજ સુધી અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. તેવામાં મીડિયા કર્મીને એસઆઈટીની ટીમ તપાસ માટે લઈ ગઈ હોવાથી ઘટનામાં નાટકીય વળાંક આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


