મોડાસા,તા.૩૦
મોડાસાના ચાંદટેકરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાથી સુપ્રિટેન્ડેન્ટ એન્જીનીયર શાહ અને મોડાસા યુજીવીસીએલના મુખ્ય એન્જિનિયર વસંત સોલંકીની રાહબરી હેઠળ આજુબાજુના સબ ડિવિઝનની ૫૦થી વધુ ગાડીઓ અને મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓ સાથે દરોડો પાડી ૨૦થી વધારે ગેરકાયદેસર વીજ જોડાણો ઝડપી પાડયા હતા
મોડાસા શહેરના ચાંદટેકરી વિસ્તારમાં ૭૦૦થી વધુ રહેણાંક મકાનો આવેલા છે. આ વિસ્તારમાં અંદાજે ૪૫૦ જેટલા ઘરોમાં કાયદેસર મીટર લગાવેલા છે. જે મકાનોમાં મીટર નથી તે વીજપોલ પર સીધી આંકળી મારી વીજ ચોરી કરી રહ્યા હોવાની સાથે કાયદેસર વીજ મીટર ધરાવતા કેટલાક શખ્શો પણ વીજચોરીમાં સંડોવાયેલા હોવાથી મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાની બૂમો ઉઠી હતી. સ્થાનિક વીજ તંત્ર વીજચોરી અંગે તપાસ કરવા જાય તો સ્થાનિકોમાં રહેલા કેટલાક અસામાજિક તત્વો અને મહિલાઓ દાદાગીરી કરી હોબાળો મચાવતા પરત ફરવા મજબુર બનતા હતા.
શુક્રવારે ચાંદટેકરી વિસ્તારમાં ૫૦ જેટલી ગાડીઓમાં મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓના ધાડેધાડા ઉતરી પડી રહેણાંક વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા દરોડા પાડતા ભારે નાસભાગ મચી હતી. વીજકર્મચારીઓએ ૧૫૦ જેટલા રહેણાંક મકાનોમાં તલાસી લેતા ૨૦થી વધુ મકાનોમાં ગેરકાયદેસર વીજજોડાણો મળી આવતા ૨.૫ લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી વીજપોલ પરથી ગેરકાયદેસર કનેક્શન માટે વપરાયેલા વાયરો સાથે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


