ચોરોની હિંમતઃ નિવૃત્ત બીએસએફ જવાનના ૧ લાખ રૂપિયા લૂંટ્યા

0
9

મોડાસા,તા.૨
મોડાસામાં ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના લોકાર્પણ કરે તેના થોડાક જ કલાક અગાઉ મોડાસામાં ચોર લૂંટારુ ગેંગે બેંક ઓફ બરોડામાંથી રૂપિયા લઈ બહાર આવતા નિવૃત બીએસએફના જવાનને લૂંટી લીધા છે. ખુમાપુરના રહીશ દિલીપસિંહ બળદેવસિંહ જાદ્ધાના રૂપિયા ૧ લાખ ઉપાડી બાઈકની ડેકીમાં મુકતા હતા, ત્યારે લબરમૂછિયા યુવકે ફોજી જવાનને કાકા તમારા રૂપિયા પડી ગયાનું કહેતા ફોજી જવાન નીચે પડેલી નોટ લેવા જતા ગઠિયો ૧ લાખ રૂપિયા ભરેલી બેગ લઈ રફુચક્કર થઈ ગયો હતો. ફોજી જવાન હાંફાળો ફાંફાળો બની ગયો હતો, કારણ તે રૂપિયા તેમના માટે ઘણા જરૂરી હતા. ભર બજારમાં લૂંટની ઘટના બનતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી બેંકના સીસીટીવી અને નજીકમાં આવેલી એક દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથધરી હતી.
મોડાસાના ખુમાપુર ગામના નિવૃત્ત બીએસએફના જવાન દિલીપસિંહ બળદેવસિંહ જાદ્ધા ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી શનિવારે બપોરે ૧૨ વાગ્યાના સુમારે બેંક ઓફ બરોડા મોડાસામાંથી ૧ લાખ રૂપિયા ઉપાડી દંપતી બેંકની બહાર બાઈકની ડેકીમાં રૂપિયા મુકતા હતા. ત્યાં એક યુવકે બાઈક આજુ બાજુ યુક્તિપૂર્વક રૂપિયાની નોટો નાખી દીધી અને બાદમાં દંપતીને તમારા રૂપિયા પડી ગયા છે તેવું કહેતા ફોજી જવાન રૂપિયા લેવા ગયા અને બાઈકની ડેકીમાં થેલામાં મુકેલા ૧ લાખ રૂપિયાની ચીલઝડપ કરી યુવક ફરાર થઈ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY