મુંબઇ,તા.૫
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયાએ કહ્યું કે, ‘હવેથી વિદેશ પ્રવાસ પર ખેલાડીઓને પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે લઇ જવાની પરવાનગી અમે આપીશું.’ ગયા વર્ષે મે મહિનામાં વિનોદ રાયના નેતૃત્વવાળી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ એ કેપ્ટન અને કોચને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપ્યો હતો. હવે ગાંગુલીની હેઠળ બીસીસીઆઇએ ફરીથી આ નિર્ણય પોતે લેશે. કહેવામાં આવી રહ્યું છે કે, વર્લ્ડ કપ ૨૦૧૯ના દરમિયાન ખેલાડીઓ મર્યાદિત સમય કરતા વધુ સમય પરિવાર સાથે રહ્યા હતા.
રિપોર્ટ અનુસાર, સીઓએના નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, *પત્ની અથવા ગર્લફ્રેન્ડને ટૂર પર લઇ જવાનો નિર્ણય બીસીસીઆઇ લેશે. આ બધા માટે સારું છે.* અગાઉ સીઓએએ ૨૧ મે ૨૦૧૯ના રોજ આ નિર્ણય લીધો હતો કે, પત્ની અને ગર્લફ્રેન્ડને વિદેશ ટૂરમાં સાથે લઈ જવાની પરવાનગી કેપ્ટન અને કોચ આપશે. કમિટીના આ નિર્ણયથી ઘણા ખેલાડીઓ નાખુશ થયા હતા.
ભારત આ મહિનાના અંતે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાનું છે. તેવામાં જોવાનું રહેશે કે હંમેશાની જેમ ખેલાડીઓના પરિવારને બેથી ત્રણ અઠવાડિયાની સાથે રહેવાની પરવાનગી મળે છે કે નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



