રાજપીપળા પાલિકા સભાખંડમાં 2 જી જાન્યુઆરીએ સ્પેશિયલ કેસમાં બોર્ડ મિટિંગ મળી હતી જેમાં સફાઈ કર્મીઓને કાયમી કરવાના ઠરાવ સર્વાનુમતે મંજુર કરાયા
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના સફાઈ કર્મીઓ રેગ્યુલર પગાર અને કાયમી કરવાના મુદ્દે 10 દિવસથી હડતાળ પર ઉતર્યા હતા.જોકે પાલિકા દ્વારા સફાઈ કર્મીઓનો 2 મહિનાનો પગાર કરી દેવાયો હતો, પણ કાયમી કરવાની માંગ સાથે તેઓએ હડતાળ ચાલુ રાખતા શહેર ગંદકીમાં ફેરવાયું હતું.અંતે રાજપીપળા પાલિકા કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ અને સફાઈ કર્મીઓના સંગઠનના હોદ્દેદારોની સમજાવટ બાદ સફાઈ કર્મીઓએ હડતાળ સમેટી હતી.રાજપીપળા પાલિકા બોર્ડમાં સફાઈ કર્મીઓને કાયમી કરવા અંગેનો ઠરાવ કરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરવાની બાંહેધરી આપતા સફાઈ કર્મીઓએ અંતે પારણા કર્યા હતા.
રાજપીપળા પાલિકા સભાખંડમાં 2 જી જાન્યુઆરીએ સ્પેશિયલ કેસમાં બોર્ડ મિટિંગ મળી હતી.આ બોર્ડ મિટિંગ માં રાજપીપળા પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંજય સોની,પ્રમુખ જીગિશાબેન ભટ્ટ,કારોબારી ચેરમેન અલકેશ સિંહ ગોહિલ, મહેશભાઈ વસાવા સહિત અન્ય કોર્પોરેટરો ની ઉપસ્થિતમાં વાલ્મિકી સમાજને ન્યાય આપતા અને સફાઈ કર્મીઓને કાયમી કરવાના ઠરાવ સર્વાનુમતે મંજુર કરાયા હતા.હવે આગામી સમયમાં પાલિકામાં સફાઈ કર્મીઓની ભરતી અંગે સીએમ વિજય રૂપાણીને મળી આ ભરતી રોસ્ટર મુજબ નહિ પણ ફક્ત દલિત અને વાલ્મિકી સમાજના જ વ્યક્તિની ભરતી થાય એ માટે રજુઆત થશે.
■ 6 ઠ્ઠા પગાર પંચના એરિયર્સમાં વ્હાલા દવલાની નીતિ: ડો.કમલ ચૌહાણ,કોંગ્રેસ પાલિકા સભ્ય
◆ બોર્ડમાં કોંગ્રેસના સભ્ય ડો.કમલ ચૌહાણે એક ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે રાજપીપળા પાલિકા કર્મીઓને 6 ઠ્ઠા પગાર પંચના એરિયર્સ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ અપાય છે.જેમાં જે લોકો માનીતા હતા એમને એરિયર્સ અપાયું છે,જ્યારે જે લોકો શહેરને સ્વચ્છ રાખે છે એ સફાઈ કર્મીઓને એરિયર્સ અપાયું જ નથી.આમ 6 ઠ્ઠા પગાર પંચના એરિયર્સમાં વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ છે.આ આક્ષેપ થતા બોર્ડ મિટિંગમાં ભારે વિવાદ થયો હતો.
■ લાશ ઉઠાવવા,ગંદકી સાફ કરવા દલિત સમાજ યાદ આવે,નોકરી માટે અન્ય સમાજ આગળ આવે: ડો.કમલ ચૌહાણ
◆ રાજપીપળા પાલિકામાં સફાઈ કર્મીઓની ખાલી જગ્યા સરકારી નિયમ મુજબ રોસ્ટર મુજબ ભરાશે એવું ઇન્ચાર્જ CO એ જણાવ્યું હતું.ત્યારે દલિત આગેવાન અને કોંગ્રેસના કોર્પોરેટર ડો.કમલ ચૌહાણે જણાવ્યું હતું કે લાશ ઉઠઠાવવા, મરેલા પ્રાણીઓનો નિકાલ કરવા, ગંદકી સાફ કરવા દલિત અને વાલ્મિકી સમાજ યાદ આવે છે ત્યારે કેમ કોઈ અન્ય સમાજના વ્યક્તિને નથી બોલાવતા સફાઈ કર્મીઓની ભરતીમાં વાલ્મિકી અને દલિત સમાજ ના જ વ્યક્તિની ભરતી થવી જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




