અમદાવાદ,તા.૨૫
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા હાઇકોર્ટના કડક નિર્દેશના પગલે ટ્રાફિક નિયમન માટે શહેરના રપ મોડલ રોડ ઉપરાંતના મહત્વના ટીપી રોડ પરના ગેરકાયદે દબાણને હટાવવાની કામગીરી હજુ ચાલુ જ છે.
દરમ્યાન ઔડા વિસ્તારમાં પણ સત્તાવાળાઓએ આળસ મરડી હોઇ બોપલ-ઘુમા બીઆરટીએસ રૂટ પરના ગેરકાયદે દબાણને દૂર કરવાના ચક્રો ગતિમાન કર્યા બાદ હવે વ્યાપકપણે સમગ્ર વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવાની દિશામાં ક્વાયત હાથ ધરી છે.
ઔડાના બોપલથી ઘુમાને સાંકળતા બીઆરટીએસ કોરિડોરના રસ્તા પરના દબાણથી વાહનચાલકો પરેશાન છે. ત્રણ કિમી લાંબા આ રસ્તા પર ઠેરઠેર ગેરકાયદે ઓટલા અને કોમર્શિયલ પ્રકારના શેડ ઊભા કરાયા હોઇ ઔડાના સત્તાવાળાઓ દ્વારા સ્વેચ્છાએ દબાણ હટાવી લેવાની દબાણકર્તાઓને ગયા શુક્રવારે મૌખિક ચેતવણી અપાઇ હતી. તંત્રની ચેતવણીથી કેટલાક દુકાનદારોએ દબાણ ખસેડવાની કામગીરી પણ શરૂ કરી છે.
ઔડા હસ્તકના અમદાવાદ જિલ્લાના ૧૬૯ ગામના ટીપી રસ્તા દબાણમુક્ત નથી, જેના કારણે હવે તંત્ર દ્વારા આ તમામ ગામના જાહેર રોડ પર મિલકત ધરાવતા કબજેદારો-માલિકોને જાહેર નોટિસથી સ્વેચ્છાએ દબાણ હટાવી લેવાની ચેતવણી અપાઇ છે.
ઔડાની જાહેર નોટિસ મુજબ રોડ પર કરાયેલા ગેરકાયદે વાણિજ્ય ઔદ્યોગિક કે અન્ય વધારાના બાંધકામ આજથી પાંચ દિવસમાં દૂર કરવાના રહેશે તેમજ ઔડાની મેળવેલી મંજૂરી મુજબ મૂળ સ્થિતિમાં લાવવાના રહેશે.
જો દબાણકર્તા આ જાહેર નોટિસની અવગણના કરશે તો ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની જોગવાઇ હેઠળ મળેલી સત્તાની રૂએ દબાણકર્તાના ખર્ચે અને જોખમે બાંધકામો ઔડા સત્તામંડળ દ્વારા દૂર કરાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



