કોઈ પગલાં નહિ લેવાય તો કાયમી ધોરણે બંધ કરાશે
જેતપુર,તા.૧૮
ધોરાજીના કોંગી ધારાસભ્ય દ્વારા જેતપુર ડાઇંગ એસો. સામે ભાદર નદીને પ્રદૂષિત કરવા સામે મોરચો માંડતા પ્રદૂષણ બોર્ડ સફાળું જાગ્યું છે. જેને પગલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ડાઇંગ એસો.ના ચાર જુદાજુદા ટ્રીટમેન્ટ પ્લાન્ટને પંદર દિવસમાં બોર્ડે આપેલ ડાયરેકશન મુજબ કામગીરી નહીં કરે તો પંદર દિવસ બાદ કાયમી ક્લોઝર આપી દેવાની નોટિસ આપતા સનસનાટી મચી ગઈ છે.
જેતપુર શહેરના આઝાદી પૂર્વેનો સાડી ઉદ્યોગની હાલ માઠી દશા ચાલી રહી છે, પરંતુ આ માઠી દશા માટે મોટા પ્રોસેસ હાઉસિસ જવાબદાર છે. જે મોટા ભાગના ડાઇંગ એસોસિએશનના કારોબારી સભ્યોના જ છે. જેથી પાડાના વાંકે પખાલીને ડામ એવો ઘાટ થયો છે, મોટા યુનિટ્સના પ્રદૂષણને કારણે નાના સાડીના કારખાનેદારોને પણ તેનું માઠું પરિણામ ભોગવવાનો વારો આવ્યોં છે. માત્ર પ્રિંટિંગ કરતા સાડીના નાના કારખાનાઓ પાણીમાં સાદી ડાય અને યુરિયા જ વાપરે છે. તેમજ ખેડૂતો પણ આ પાણી હોંશેહોંશે પોતાની મૌલાતના પિયત માટે લેતા હતા, કારણ કે આ પાણીમાં યુરિયાનું પ્રમાણ હોવાથી ખેડૂતોને યુરિયા ખાતરનો ખર્ચ પણ બચી જતો હતો.
પરંતુ જ્યારથી જોખમી કેમિકલ અને એસિડ વાપરતા પ્રોસેસ હાઉસિસ બન્યા ત્યારથી તેના પાણીએ ભાદર નદી તેમજ જેતપુરની આજુબાજુના ૫૦ કિલોમીટરમાં આવેલી નદીઓને પણ પ્રદૂષિત કરી નાખી છે. જેને કારણે જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાનું એસિડ વાળું કેમિકલયુક્ત પાણી ભાદર ડેમ-૨માં જતાં તે ડેમનું પાણી પીવા લાયક રહ્યું નથી. આથી ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ડાઇંગ એસોસિએશન સામે આંદોલન ચલાવ્યું અને જ્યાં સુધી ભાદર નદીમાં શુદ્ધ પાણી ન વહે ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ જ રહશે તેવી ચિમકી ઉચ્ચાર્યા બાદ પ્રદૂષણ બોર્ડ સફાળું જાગ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




