પોરબંદર,તા.૮
મુંબઈના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનથી આવેલો કસાબ પોરબંદરના દરિયાનો ઉપયોગ કરી મુંબઈ સુધી પહોંચ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે ગુજરાત સરકાર દ્વારા સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. સુરક્ષા દળોના વિભાગો દ્વારા સમુદ્ર કિનારે સતત પેટ્રોલિંગ કરી આતંકવાદી પ્રવૃતિ ડામવાના પ્રયત્નો કરાઈ રહ્યાં છે, ત્યારે ગુજરાત મરીન પોલીસ વિભાગના વિવિધ સ્થળોમાંથી મરીન પોલીસમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે અને તે માટે ત્રણ દિવસનો મરીન કમાન્ડો સિલેક્શન કેમ્પ પોરબંદર ખાતે યોજાયો હતો.
ગુજરાત મરીન ટાસ્ક ફોર્સમાં ભરતી માટે સમગ્ર ગુજરાતના પોલીસ દળમાંથી ૨૦૦થી પણ વધુ જવાનોએ પસંદગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ યુવાનોનો મેડિકલ ટેસ્ટ લેવામાં આવે છે, બાદમાં રનીંગની ટેસ્ટ લેવામાં આવે છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. પોરબંદરમાં યોજાયેલા ૩ દિવસીય સિલેક્શન કેમ્પમાં એસપી લગધીરસિંહ ઝાલા સહિત ૬ ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા હતા.
આતંકવાદી પ્રવૃત્તિમાં દરિયાઈ સપાટીનો ઉપયોગ થવાના કારણે દરિયાઈ સુરક્ષામાં વધારો કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૪થી ગુજરાત મરીન પોલીસની રચના કરવામાં આવી છે. મરીન પોલીસ દ્વારા સતત સમુદ્રમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં મરીન પોલીસ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ ડામવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



