સૂરતઃશનિવારઃ-
૧લી સપ્ટેમ્બરથી દેશભરમાં પોસ્ટ વિભાગની ૬૫૦ બ્રાન્ચોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)નો શુભારંભ થયો છે, જેના અનુસંધાને ગુજરાત સહિત બારડોલી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પોસ્ટ વિભાગ દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો પ્રારંભ કરી ગામડાના છેવાડાના લોકોને બેન્કિંગ સુવિધા ઘરઆંગણે આપવાનું સરાહનીય અને સીમાચિહ્નરૂપ પગલું લીધું છે. બારડોલીમાં પોસ્ટ દ્વારા બેન્કિગ સુવિધાઓ મળતા બારડોલી સહિત પલસાણા, કરાડા, મલેકપોર અને કણાવ સહિત ગામોને લાભ મળશે. તેમજ હવે સરકારની યોજનાઓના લાભો-સહાય સીધા પોસ્ટ બેન્ક ખાતામાં જમા થતા વચેટિયા આપોઆપ નાબૂદ થશે. અને આ વિસ્તારમાં ૩૫૦૦ કર્મચારીઓને નવી રોજગારી મળશે એમ તેમણે જણાવ્યું હતું.
પરમારે કહ્યું કે, સ્વ.અટલબિહારી વાજપેયી બાદ ભારતને કુશળ અને લોકાભિમુખ વડાપ્રધાન તરીકે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે. રાજ્યમાં ૧૯ પાસપોર્ટ ઓફિસ કાર્યરત છે, ત્યારે કેન્દ્ર સરકારે વધારાની ૬ પાસપોર્ટ ઓફિસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં બારડોલી તાલુકાનો સમાવેશ કરાયો હોવાથી હવે ઘરઆંગણે પાસપોર્ટ મેળવી શકાશે. જેથી તાલુકાની પ્રજાને નવા પાસપોર્ટ કઢાવવા માટે સુરત સુધી જવું નહિ પડે એમ તેમણે ઉમેર્યું હતું.
સાંસદ પ્રભુભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક દ્વારા અંતરિયાળ-ગ્રામીણ વિસ્તારોને ઘેરબેઠા પોસ્ટ બેન્કીંગ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ હોવાનું જણાવ્યું હતું. દેશના તમામ છેવાડાના ગામોના લોકોને પોતાના આર્થિક-નાણાંકીય વ્યવહાર માટે બેન્કો પર આધારિત ન રહેવું પડે અને સ્થાનિક કક્ષાએ જ બેન્કીંગ સુવિધા મળી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, આઈપીપીબી દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ચૂકવણી અંગે લોકોને જાગૃત્ત કરાશે. જે પોસ્ટ વિભાગનાં વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરશે અને ૩ લાખથી વધારે પોસ્ટમેનો સાથે દેશનાં દરેક ખૂણાને આવરી લેશે. ગુજરાતમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક (IPPB) ની ૩૨ શાખાઓ અને પોસ્ટ ઓફિસમાં લગભગ ૮૯૦૦ એક્સેસ પોઈન્ટ મારફતે કાર્યરત થશે. ૭૦૦૦ થી વધુ ગ્રામીણ ડાક સેવકો અને ૪૦૦૦ પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોને આ સેવાઓ ઘર-આંગણે સુધી પ્રદાન કરશે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં બચત અને ચાલુ ખાતા, મની ટ્રાન્સફર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી), બિલ અને યુટિલિટી પેમેન્ટ તથા એન્ટરપ્રાઇઝ અને મર્ચન્ટ પેમેન્ટ જેવી વિવિધ સેવાઓ મળશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



