ગુજરાત પોલીસ માટે કલંકિત ઘટના કેમેરામાં કેદઃ PSI લાંચના ૭ લાખ NRI ને પરત આપવા ગયો

0
323

ગુજરાતની દારૂબંધી ગુજરાતીઓ અને ગુજરાત સરકાર જેવી જ દંભી છે. ૧૯૬૦થી ચાલી રહેલી કહેવાતી દારૂબંધીના કડક અમલ માટે ગત વર્ષે વિજય રૂપાણીની સરકારે કાયદો કડક બનાવ્યો પણ તેનો સીધો ફાયદો પોલીસને થયો છે. પહેલા દારૂ પીધેલો પકડાય તો પાંચસો કે હજાર રૂપિયામાં કામ થઈ જતુ હતું પણ હવે પોલીસ નવા કાયદાની બીક બતાડી લાખો રૂપિયા પડાવી રહી છે. આવી જ એક ઘટના ગત ઓગષ્ટના અંતમાં દક્ષિણ ગુજરાતના બારડોલીમાં ઘટી હતી. જેમાં એક NRI દંપતી પોતાની દીકરી સાથે વેકેશન માટે આવ્યા હતા ત્યારે બારડોલીના પીએસઆઈ તેમના સ્ટાફ સાથે આ દંપતીના ઘરમાં દારૂની બાતમી છે તેમ કહી ઘુસી આવ્યા હતા અને ત્યાંથી મળેલા સાત બોટલ દારૂનો કેસ નહીં કરવા માટે સાત લાખ રૂપિયા લીધા હતા. આ મામલે રાજ્યના મંત્રી ઈશ્વર પરમાર અને રેન્જ આઈજીપી સમક્ષ ફરિયાદ છતાં પીએસઆઈ સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
એક તરફ રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાતના નામે વિદેશ વસતા લોકોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપી રહી છે. પરંતુ બીજી તરફ વિદેશથી આવતા ગુજરાતીઓને કેવા માઠા અનુભવ થાય છે તેનો આ ઉત્તમ નમુનો છે. વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયેલા પ્રકાશ પટેલ અને તેમના પત્ની ફાલ્ગુની પટેલ દીકરી સાથે ગત ઓગષ્ટ મહિનામાં પોતાના વતન બારડોલી આવ્યા હતા. તા. ૩૦મી ઓગષ્ટના રોજ બપોરના બે વાગ્યે અચાનક તેમના ઘરે બારડોલીના સબ-ઈન્સપેક્ટર પી. ચૌધરી તેમના સ્ટાફ સાથે ઘરમાં ઘુસી આવ્યા હતા. જાણે કોઈ મોટા ગુનેગારને પકડવા આવ્યા હોય તેમ ચૌધરીએ ઘરમાં પ્રવેશ કરતા ઘરને અંદરથી બંધ કરી દીધુ હતું અને ચૌધરી સાથે આવેલા સ્ટાફે પ્રકાશ અને તેમના પત્નીનો ફોન લઈ લીધો હતો. પ્રકાશે જ્યારે ઘરમાં કેમ ઘુસી આવ્યા તે અંગે પુછ્યુ ત્યારે પીએસઆઈ ચૌધરીએ કહ્યું કે અમારી પાસે બાતમી છે કે તમારી પાસે દારૂ છે.
ત્યારે પ્રકાશ પટેલે જણાવ્યુ કે તેઓ NRI છે અને તેમની પરમીટ પણ છે અને દારૂ પણ છે. પ્રકાશ પટેલે પોતાની પરમીટ પણ તેમને બતાડી હતી. જ્યારે PSI ચૌધરીએ દારૂની માગણી કરી ત્યારે તેમણે કબાટમાં રહેલી વિદેશી દારૂની સાત બોટલ પણ બતાડી હતી. પોલીસ સ્ટાફે આ તમામ દારૂ ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવી દીધો હતો. પોલીસના આ વ્યવહારથી સ્તબ્ધ થયેલા પ્રકાશ પટેલ ડરી ગયા હતા અને તેમને ડાયબિટિસ હોવાને કારણે ચક્કર આવવા લાગ્યા હતા. પ્રકાશના પત્નીએ ચૌધરીને વિનંતી કરી કે ડોક્ટર બોલાવવા પડશે. પરંતુ પીએસઆઇ ચૌધરીએ ડાક્ટર બોલાવવાની ના પાડી દીધી હતી. જેના કારણે પ્રકાશના પત્નીએ તેમને શરબત આપ્યુ હતું. હદ તો ત્યારે થઈ જ્યારે પીએસઆઈ ચૌધરી પ્રકાશ પટેલના બેડરૂમમાં ગયા અને બેડ ઉપર પહેરેલા બુટ સાથે આડા પડી આરામ ફરમાવવા લાગ્યા.
આ ઘટના બે કલાક સુધી ચાલી હતી. આખરે બેડરૂમમાં આરામ ફરમાવી રહેલા પીએસઆઈ ચૌધરીએ પ્રકાશ પટેલને બેડરૂમમાં બોલાવી કહ્યું કે તમારી ઉપર કેસ કરીશ અને કેસ ના થવા દેવો હોય તો પંદર લાખ રૂપિયા આપવા પડશે. આ બાબત ઘણી આઘાતજનક હતી. પૈસા માટે મારે કોઈ મિત્રોને ફોન કરવા પડશે તેવી વિનંતી કરતા ચૌધરીએ તેમને ફોન કરવાની મંજુરી આપી હતી. પ્રકાશે પોતાના પરિચિત અને વગદાર મિત્રોને ફોન કરતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને આખરે એક બોટલ દીઠ એક લાખ પ્રમાણે સાત લાખ આપવાનું નક્કી થયુ હતું. પીએસઆઇ ચૌધરીને આ સાત લાખ રૂપિયા બારડોલીની તુલસી હોટલ પર ચુકવાઈ ગયા હતા. જા કે પ્રકાશ પટેલના ઘરેથી જતી વખતે ચૌધરી દારૂની સાત બોટલો અને ઘરમાં લાગેલા સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા હતા જેના કારણે પોતાની સામે કોઈ પુરાવા રહે નહીં.
આ ઘટનાના આઘાતમાંથી બહાર આવેલા પ્રકાશ પટેલે થોડા દિવસો બાદ બારડોલીના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વર પરમારને સરકિટ હાઉસમાં મળી રજુઆત કરતા ઈશ્વર પરમારે આ મામલે તપાસ કરવા રેન્જ આઈજીપી રાજકુમાર પાંડીયનને આદેશ આપ્યો હતો. જા કે મંત્રી સમક્ષ ફરિયાદ થઈ છે તેવી ખબર પડતા પીએસઆઈ ચૌધરી સાત લાખ રૂપિયા લઈ પ્રકાશ પટેલને પરત આપી આવ્યા હતા. આ આખી ઘટના પ્રકાશ પટેલે પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. પ્રકાશ પટેલે પોતાની ફરિયાદ અને પુરાવા રૂપે સાત લાખ પરત આપવા આવેલા પીએસઆઈનો વીડિયો પણ પણ રેન્જ આઈજીપીને આપ્યો હતો. જા કે આમ છતાં પીએસઆઈ ચૌધરી સામે કોઈ કાર્યવાહી થઈ નહીં. બીજી તરફ પ્રકાશ પટેલે અમેરીકા પરત જવાનો કાર્યક્રમ બે સપ્તાહ લંબાવ્યો પણ પોલીસે તેમને જવાબ લેવા બોલાવ્યા જ નહીં.
ગત મહિને કંટાળી અને નિરાશ થઈ પ્રકાશ પટેલે અમેરિકા જવાનો નિર્ણય કર્યો ત્યારે પોલીસે આ કેસમાં તમારે અમેરિકાથી કોર્ટમાં હાજર રહેવુ પડશે તેવો ડર બતાડી હવે તેઓ આ કેસમાં કઈ કરવા માગતા નથી તેવુ નિવેદન નોંધી કેસ દફતરે કરી નાખ્યો હતો. આમ છતાં સાત લાખ પરત આપવા આવેલા પીએસઆઇ ચૌધરીનો વીડિયો જાહેર થયો હોવા છતાં તે દિશામાં ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝા, રાજ્યના ગૃહવિભાગ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY