રાજકોટ,તા.૧૨
રાજકોટનાં એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતા આરટીઓ ઇન્સ્પેક્ટરના ૧૯ કલાક બંધ મકાનમાંથી તસ્કર રિવોલ્વર, કારતૂસ, ઘરેણાં મળી કુલ રૂ.૧.૪૫ લાખની મતાનો હાથફેરો કરી ગયા છે. ગાંધીગ્રામ પોલીસે તસ્કરનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.
ગીતગુર્જરી સોસાયટી-૧માં રહેતા આરટીઓ ઇન્સ્પેક્ટર અમર જયંતકુમાર વ્યાસે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હોય આણંદથી ગત તા.૫ના રોજ અમદાવાદ ખાતે બદલી થઇ હતી. પત્ની, બાળક અને સાસુ રાજકોટ રહેતા હોય પોતે અમદાવાદ હાજર થતા પહેલા રાજકોટ આવ્યો હતો. દરમિયાન પોતે અમદાવાદ જતા પત્ની બાળકને લઇ તા.૯ની બપોરે અઢી વાગ્યે પિયર ગયા હતા. રાજકોટમાં ઘરકામ માટે ચાર વર્ષથી હીનાબેન નામની મહિલાને કામે રાખી હતી. ત્યારે ઘરકામ કરતી હીનાબેને પત્નીને તા.૧૦ની સવારે સવા નવ વાગ્યે બંધ મકાનના તાળાં તૂટેલા હોવાની ફોન પર જાણ કરી હતી. જેથી પત્નીએ તુરંત મને જાણ કરી હતી. ઘરમાં ચોરી થયાની જાણ થતાં પોતે રાજકોટ દોડી આવ્યા હતા.
ઘરે જોતા મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો અને ઘરમાં તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. જેથી ઘરમાં રહેલા કબાટમાં તપાસ કરતા પરવાનાવાળી રિવોલ્વર, ૨૫ કારતૂસ, સોનાનું મંગલસૂત્ર, બ્રેસલેટ અને બે લેપટોપ મળી કુલ રૂ.૧.૪૫ લાખની મતા જોવા નહીં મળતા ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



