અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલે અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી આપીને કરી ભાવવંદન

0
36

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી એક ધર્મયાત્રા પૂરી કર્યાની આનંદ અનુભૂતિ વ્યક્ત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી – સરદાર પ્રતિમાનું નિર્માણ કલ્પનાતીત છે : આ નિર્માણ એક વૈશ્વિક કિર્તીમાન છે

 

 

 

સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે મુલાકાતી મહેમાનનું સ્વાગત કર્યું

રાજપીપળા : વિક્રમ સંવતના નવા વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રથમ મુલાકાતી મહાનુભાવના રૂપમાં દેશના પૂર્વોત્તર સીમાડે આવેલા અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડીયર (સેવા નિવૃત્ત) ડૉ.બી.ડી મિશ્રાએ સરદાર વલ્લભભાઇ પટેલના કેવડીયા ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને તેની સાથે સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ, વોલ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, ભૂગર્ભ જળ વિદ્યુતમથક, ટેન્ટ સીટી સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લેવાની સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

તેમણે અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ગુલાબના પુષ્પો દ્વારા અંજલિ અર્પીને રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી તથા ભાવવિભોરતા સાથે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી એક ધર્મયાત્રા સંપન્ન કરવાનો આનંદ અનુભવું છું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણના વિલક્ષણ વિચાર અને તેના સંકલ્પબધ્ધ અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને આદરપૂર્વક યાદ કરતાં મહામહિમે જણાવ્યું હતું કે, આ સરદાર પ્રતિમાનું નિર્માણ કલ્પનાતીત કાર્ય છે, એક વૈશ્વિક કિર્તીમાન છે. પ્રતિમાના નિર્માણ માટે ભગીરથ ઇજનેરી પરિશ્રમ, સ્થળ પસંદગી એ બધું જ બેમિસાલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી યુગો સુધી વિશ્વમાં ભારતને ગૌરવ અપાવશે.

તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેક દિવસે દેશની જનતાના કલ્યાણ અને ઉત્કર્ષનો એક નવો વિચાર અમલમાં મૂકે છે, એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ અને મજબૂતીકરણની દિશામાં દેશને આગળ લઇ જાય છે, પરમાત્મા તેમના આ પરિશ્રમને સફળતા અપાવે એવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી.

અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સભાખંડમાં સરદાર સાહેબના જીવન અને કવનને વણી લેતી ફિલ્મ નિહાળી હતી. તેમણે ૪૫ માળની ઉંચાઇએ, પ્રતિમાના હ્રદય સ્થળેથી માતા નર્મદા અને વિંદ્યાચલ – સાતપૂડાની ગિરિમાળાઓના દર્શન કર્યાં હતાં. પરમ અહોભાવની લાગણી સાથે તેમણે જણાવ્યું હતું કે, આ સ્થળેથી માતા નર્મદાના દર્શન પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરાવે છે.

રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે રાજ્ય સરકાર વતી મહામહિમ ડૉ. મિશ્રા અને તેમના ધર્મપત્ની શ્રીમતી નિલમ મિશ્રાનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં આત્મીયતાસભર સ્વાગત કર્યું હતું તથા સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સદસ્યશ્રી હર્ષદભાઇ વસાવા અને પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવીએ પણ રાજ્યપાલનું અભિવાદન કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના અધિક કલેક્ટર અને ચીફ મેનેજર સંજય જોષી તથા સરદાર ડેમના અધિક્ષક ઇજનેર આર.જી. કાનુનગોએ મુલાકાતી રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિી, આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ સરદાર સરોવર બંધની વિશ્વ કક્ષાની ઇજનેરી કરામત જેવી તાંત્રિક અને ઇજનેરી વિશેષતાઓ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટસભર જાણકારી આપી હતી. તેમણે તોફાની પવનો, ઝંઝાવાતો, મોટા ધરતીકંપો સામે આ પ્રતિમાને રક્ષણ આપતી ઇજનેરી વ્યવસ્થાઓની માહિતી પૂરી પાડી હતી.

મુલાકાતી રાજ્યપાલએ સરદાર સરોવર બંધના ટોપ પોઇન્ટ પર જઇને સરદાર સરોવરના જળ ભંડાર, સંગ્રહક્ષમતાની અને ઝીરો પોઇન્ટ ખાતે જઇને નર્મદા જળના મુખ્ય નહેરના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં અને છેક રાજ્સ્થાન સુધી વિતરણની વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. તેમણે ભૂગર્ભ જળ વિદ્યુતમથકની મુલાકાત લઇને નર્મદા યોજના હેઠળ જળવિદ્યુત ઉત્પાદનની ક્ષમતા અને વ્યવસ્થાની માહિતી મેળવી હતી. ટેન્ટ સીટીના આકર્ષણો અને સુવિધાઓની પણ જાણકારી મેળવી હતી.

રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગી, સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર આર.જી. કાનુનગો, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ અને ગજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY