સોમનાથ,તા.૨૬
પવિત્ર શ્રાવણમાસનો ચોથો અને અંતિમ સોમવારે ભગવાન ભોલેનાથના ચરણોમાં મસ્તક નમાવવા દેશનાં તમામ શિવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. ભગવાન શિવની કૃપા મેળવવા માટે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો હતો.
વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિર ના દ્વાર ખુલ્યા હતાં. દર્શનાર્થીઓની દોઢેક કીલોમીટર લાંબી કતાર લાગી હતી. મહાદેવની દિવ્ય પ્રાતઃ આરતીના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતાં.
શિવજીના પ્રિય એવા શ્રાવણ માસમાં દેશ ભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા. ત્યારે અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ શિવ ભક્તોનો જાણે માનવ મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર વગ્યાથી જ ખોલી દેવાયા હતા. સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ અંદાજે દોઢેક કી.મી લાંબી દર્શનાર્થીઓની કતાર જોવા મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


