રેશમવાળા પ્રા.શાળા આચાર્ય રમેશ રાણાને નિવૃત્તિ વિદાયમાન

0
4

શાળા પરિવાર દ્વારા રમેશ રાણાનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ
સુરત, તા.૬

નવાપુરાની પુરબિયા શેરીમાં આવેલી નગર પ્રા.શિ. સમિતિ સંચાલિત શ્રી ગોવનભાઈ લ.રેશમવાળા પ્રા.શાળા ક્ર.-૫૫ના આચાર્યશ્રી રમેશભાઈ મદનલાલ રાણા વયનિવૃત્ત થતા શાળા પરિવાર દ્વારા તેમનો સન્માન સમારોહ યોજી ભવ્ય નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું.
શાળાના સ્ટાફગણ દ્વારા શ્રી રમેશભાઈનું શાલ, સ્મૃત્તિ ભેટ અને સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું. શાળાના શિક્ષકોએ તેમની ફરજ- પરસ્તી, મૈત્રીભર્યો વ્યવહાર, કર્તવ્ય નિષ્ઠા, શિસ્તપાલન, શિક્ષણ પ્રત્યેનો લગાવ તથા વિદ્યાર્થીઓ પ્રત્યેના વાત્સલ્યભાવ જેવા ગુણો વર્ણવી તેમની સાથેની શિક્ષણયાત્રાના અનુભવો વાગોળ્યા હતા, અને તેમનું શેષજીવન સુખમય, પ્રવૃત્તિમય અને નિરોગી બની રહે તેવી શુભકામના વ્યક્ત કરી હતી. અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત સામાજિક અગ્રણી શ્રી ફરોખભાઈ રૂવાલાએ શાળા પરિવારને આવા નિષ્ઠાવાન શિક્ષકની નિવૃત્તિથી ભારે ખોટ પડશે તેમ જણાવી વિદ્યાર્થીઓને શિક્ષણનું ભાથું પીરસનાર રમેશભાઈ હવે નિવૃત્ત જીવનમાં સમાજને માર્ગદર્શન કરી ઉપયોગી બનશે એવી ભાવના વ્યક્ત કરી હતી. અખિલ ભારતીય રાણા સમાજના પ્રમુખશ્રી કંચનભાઈ ચપડીયાએ શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, પણ તેનું પ્રવૃત્તિનું સ્થાન બદલાય છે, એમ જણાવી આ વિદાય સમારોહ નહિ, પરંતુ રમેશભાઈની યશસ્વી શિક્ષણ સેવાનો સન્માન સમારોહ છે એમ કહ્યું હતું. શ્રી રમેશભાઈ રાણાએ ભાવુક સ્વરે પોતાના ફરજકાળ દરમિયાન સાથ-સહકાર આપનાર સૌ સિનીયર તથા જુનિયર શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રત્યે ઋણ સ્વીકારનો ભાવ પ્રગટ કર્યો હતો. આ પ્રસંગે નગર પ્રા.શિ. સમિતિના પૂર્વ ચેરમેનશ્રી હિતેન્દ્રભાઈ ચૂડાવાલા, કોર્પોરેટર દક્ષાબેન જરીવાલા, અતિથિવિશેષ શ્રીમતી અમિષાબેન (માયા) રૂવાલા, પ્રગતિ વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી ઇન્દુલાલ દાળવાલા સહિત મહાનુભાવો અને શાળાના શિક્ષક-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY