શિક્ષક મંડળ તથા અન્ય કર્મચારીગણ દ્વારા સ્મૃતિભેટ અપાઈ
સુરત, તા.૬
અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી રામલાલ બગડીયા સિટીઝન સ્કૂલના શિક્ષિકા શ્રીમતી અંજનાબેન સેસિલ ક્રિસ્ટી વયનિવૃત્ત થતા તેમના સન્માનનો કાર્યક્રમ વિદ્યામંદિર સોસાયટીના માનદમંત્રીશ્રી જવારેહ વાડિયા તથા કેમ્પસ ડાયરેક્ટરશ્રી અરવિંદ શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
શાળાના આચાર્ય શ્રીમતી ચંપાકલીબેન જરીવાલાએ શ્રીમતી અંજનાબેનની ફરજ- પરસ્તી, ચીવટ, પ્રામાણિકતા, નિષ્ઠા, શિસ્તપાલન તથા વિદ્યાર્થીઓ પ્રત્યેના વાત્સલ્યભાવ જેવા ગુણો વર્ણવી તેમની સાથેની ૩૧ વર્ષની શિક્ષણયાત્રાના અનુભવો વાગોળ્યા હતા. શ્રી જવારેહ વાડિયાએ તેમને શાલ ઓઢાડીને સુખમય નિવૃત્તિ જીવનની કામના વ્યક્ત કરી હતી. શ્રી અરવિંદ શાહે સન્માનપત્ર આપી સન્માન કરતી વેળાએ શાળા પરિવારને આવા નિષ્ઠાવાન શિક્ષકની વિદાયથી ભારે ખોટ પડશે તેમ જણાવ્યું હતું. સન્માનનો પ્રત્યુત્તર આપતા શ્રીમતી અંજનાબહેને ભાવુક સ્વરે પોતાના ફરજકાળ દરમિયાન સાથ-સહકાર આપનાર સૌ સિનીયર તથા જુનિયર શિક્ષિકાઓ પ્રત્યે ઋણ સ્વીકારનો ભાવ પ્રગટ કર્યો હતો. શિક્ષક મંડળ તથા ચોથા વર્ગના કર્મચારીઓ તરફથી સ્મૃતિ ભેટ અર્પણ કરી તેમને નિવૃત્તિ વિદાય આપવામાં આવી હતી. આ અગાઉ શાળાના વાર્ષિકોત્સવ દરમ્યાન મહિલા નાયબ પોલીસ કમિશનર વિધિબેન ચૌધરીના હસ્તે શ્રીમતી અંજનાબેન ક્રિસ્ટીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરત વડોદરાના પૂર્વ પ્રાદેશિક સંયુક્ત નિયામક સેસિલ ક્રિસ્ટી ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




