સુરત,તા.૧૯
દેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પાંચ રાજ્યો અસરગ્રસ્ત થયા છે અને આ તમામ રાજ્યોમાં તહેવારની સીઝન હોવાના કારણે તેની સીધી અસર સુરતના કાપડ માર્કેટ પર પડી છે. દેશમાં કોઈપણ તહેવાર હોય, સુરતનું કાપડ માર્કેટ દેશના ખૂણે-ખૂણામાં કપડુ પહોંચાડે છે. પરંતુ પૂર અસરગ્રસ્ત રાજ્યોમાં આ વખતે સમયસર કાપડ ન પહોંચતા આશરે ૩૦૦ કરોડના વેપારને અસર પડી છે. માત્ર ૨૫ ટકા જ કાપડ આ રાજ્યોમાં પહોંચી શક્યુ છે.
બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ જેવા આશરે દેશનો અડધા ભાગના રાજ્યો ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયા છે. એક તરફ જ્યાં માનવીનું જીવન અસ્તવ્યસ્ત થયુ છે, ત્યારે આવનાર તહેવારોની સીઝનને પણ માઠી અસર પડી છે. જેને કારણે સુરતના કાપડ માર્કેટ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. સુરતના કાપડ બજાર સાથે સાથે સંકળાયેલા વેપારીઓને પણ અલગ-અલગ રાજ્યોમાં પૂરની અસર દેખાઈ રહી છે. હાલ ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. વેપારીઓને આશા હતી કે આવનાર તહેવારોની સીઝનમાં તેઓ વેપાર કરી આ મંદીમાંથી બહાર આવશે. પરંતુ ભારે પૂરની પરિસ્થિતિને કારણે અન્ય રાજ્યોમાં સમયસર કાપડ પહોંચી શક્યુ નથી. જેના કારણે આશરે ૩૦૦ કરોડના વેપાર પર સીધી અસર પડી છે. સીઝનમાં ૩૦૦ ટ્રકો ભરીને રોજ કાપડ અન્ય રાજ્યોમાં પહોંચાડાતી હતી, જ્યાં આજે માંડ ૧૦૦ ટ્રકો પણ જઈ રહી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



